ખાંડમાં પાંખાં કામકાજો વચ્ચે ભાવમાં જળવાતી પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહેતાં હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગ નિરસ રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની લેવાલી છૂટીછવાઈ રહી હતી. તેમ જ રિટેલ સ્તરની માગ પણ પાંખી રહેતાં ઉપાડ લગભગ ૨૬થી ૨૭ ટ્રકનો રહ્યો હતો. આમ એકંદરે આજે માગ મર્યાદિત રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૦૦થી ૩૭૯૬માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૮૧૨થી ૩૯૧૬ના મથાળે ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.
જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૬૫થી ૩૭૧૫માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૬૫થી ૩૮૧૫માં થયાના અહેવાલ હતા.