આમચી મુંબઈ

ઘાટકોપર હિંગવાલા ઉપાશ્રય ફરી એક વાર ચર્ચાના ચકડોળે

પર્યુષણના દિવસોમાં જ પળોજણ

સંઘના કારોબારી સભ્ય હરેશ અવલાણીને પ્રવીણ છેડાએ સંઘના પ્રાંગણમાં જ આપી ધમકી

સંઘનું ભેદી મૌન: પ્રમુખ ટ્રસ્ટી કહે છે, આમાં સંઘ શું કરે, જ્યારે અન્ય ટ્રસ્ટીનું માનવું છે કે છેડાએ ખુલાસો આપવો જોઇએ

બે વર્ષ પહેલાં સંઘમાં તકતી લગાવવાને મુદ્દે કારોબારી સભ્ય અને સંઘને ગાળો ભાંડનારા પ્રવીણ છેડાને પર્યુષણમાં બોલાવીને બહુમાન કરવામાં આવવાનું હતું, જેનો સંઘના સભ્ય હરેશ અવલાણીએ વિરોધ નોંધાવ્યો હતો

જયદીપ ગણાત્રા
મુંબઈ: ઘાટકોપર હિંગવાલાનો વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ ચૂંટણી હોય કે પછી તકતીનો મુદ્દો હોય હંમેશાં ચગડોળે જ રહ્યો છે. હાલમાં જૈનોના પવિત્ર દિવસ એટલે કે પર્યુષણના દિવસો ચાલી રહ્યા છે ત્યારે એ જ દિવસોમાં સંઘ ચર્ચાના ચકડોળે ચડ્યો છે. સંઘના જ પ્રાંગણમાં કારોબારી સભ્ય હરેશ અવલાણીને ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ છેડાએ ખુલ્લી ધમકી આપી હતી. હરેશ અવલાણીએ પ્રવીણ છેડાનું સંઘે શા માટે બહુમાન કરવું જોઇએ અને એનો વિરોધ નોંધાવ્યો હતો, જેની પ્રવીણ છેડાને ખબર પડતાં છેડાએ અવલાણીને સંઘના પ્રાંગણમાં જ ગાળો ભાંડીને બહાર આવ તો તને બે ફટકા મારીશ, એવી ધમકી આપી હતી. હરેશ અવલાણીએ આ અંગે સંઘમાં લેખિતમાં ફરિયાદ કરી હતી, પણ સંઘે આ મુદ્દે ભેદી મૌન સેવ્યું છે.

ભાજપના નેતા પ્રવીણ છેડાએ આપેલી ધમકી અંગે જ્યારે હરેશ અવલાણીનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે ‘મુંબઈ સમાચાર’ને કહ્યું હતું કે પ્રવીણ છેડાએ બે વર્ષ પહેલાં સંઘમાં લગાવવામાં આવેલી તકતીને મુદ્દે કારોબારીને અને અમુક સભ્યોને ગાળો ભાંડી હતી. એ જ વાત રવિવારે ફરી વાર બની હતી. સંઘ દ્વારા પ્રવીણ છેડાને સંઘમાં બોલાવીને બહુમાન કરવામાં આવશે એવી મને જાણ થઇ ત્યારે મેં તેનો વિરોધ નોંધાવ્યો હતો. મારો વિરોધ હોવા છતાં તેમનું બહુમાન થયું
હતું અને બહુમાન બાદ તેમણે મને સંઘના પ્રાંગણમાં જ બોલાવીને કહ્યું હતું કે તમારો વિરોધ કંઇ કામ ન આવ્યો. પછી એમણે મને બહાર બોલાવ્યો હતો. મેં એમને બહાર શા માટે બોલાવો છે એવું પૂછતાં તેમણે મને કહ્યું હતું કે બે ફટકા મારવા છે તને.

હરેશ અવલાણીએ પ્રવીણ છેડા પર રોષ ઠાલવતાં કહ્યું હતું કે હાલમાં પર્યુષણના દિવસો ચાલી રહ્યા છે. જે સંઘમાં પ્રવીણ છેડાનું બહુમાન થયું એ જ સંઘમાં કમિટી મેમ્બર જોડે અમાન્ય વર્તન કરવામાં આવ્યું છે. આ બાબતને સંઘ કેવી રીતે સાંખી લે એ જ મને નવાઇ લાગી રહી છે. મેં મારો વિરોધ કરતો અને મને પ્રવીણ છેડાએ આપેલી ધમકીની લેખિતમાં સંઘમાં ફરિયાદ નોંધાવી છે. જોઇએ હવે સંઘ શી કાર્યવાહી કરે છે.

આ બાબતે પ્રવીણ છેડાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે પહેલાં તો આ વાતને હાસ્યમાં ઉડાવી દીધી હતી અને બાદમાં કહ્યું હતું કે મેં કંઇ આવું કહ્યું જ નથી અને સંઘમાં એવી કોઇ વાત બની જ નથી.

સંઘના એક ટ્રસ્ટી મુકેશ કામદારનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે કહ્યું હતું કે બે વર્ષ પહેલાં શું બન્યું હતું એ વાત કોઇ ધ્યાનમાં નથી આવતી, પણ એ વખતે મિચ્છા મિ દુક્કડં કહીને મામલાની પતાવટ થઇ ગઇ હતી. શનિવારે કાઠિયાવાડ સેવા સમાજનો કાર્યક્રમ હતો એ સમયે મનોજ કોટક, પ્રવીણ છેડા અને ભાલચંદ્ર શિરસાટને અમે અમારા સંઘમાં વ્યાખ્યાનમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. પ્રવીણ છેડાએ એ સમયે મનોજ કોટકને સાથે લઇ આવવાની ખાતરી આપી હતી. અમારા સંઘની પરંપરા રહી છે કે આમંત્રિત મહેમાનોને અમે શાલથી સન્માન કરીએ છીએ. એ જ અમે કર્યું હતું. સામે છેડે પ્રવીણ છેડાએ ગૌશાળામાંથી રૂ. ૩ હજારની એક ગાય એમ પાંચ ગાયને છોડાવવા માટેનું દાન આપ્યું હતું. જોકે સંઘના સભ્યો એવું વિચારી રહ્યા છે કે પ્રવીણભાઈને બોલાવવામાં આવે અને મામલાની પતાવટ કરવામાં આવે.

પ્રવીણ છેડા અને હરેશ અવલાણીનો આપસનો મામલો છે, એમાં સંઘ શું કરે?: ટ્રસ્ટી પ્રમુખ
રવિવારે પ્રવીણ છેડાનું ઘાટકોપર હિંગવાલા સ્થાનકવાસી સંઘમાં બહુમાન થયા બાદ પ્રવીણ છેડા દ્વારા કારોબારી સભ્ય હરેશ અવલાણી સાથે અમાન્ય વર્તન અને ધમકી આપવામાં આવી હતી. છેડાએ ધમકી આપી હોવા અંગેની ફરિયાદ કરતો એક લેટર અવલાણીએ સંઘમાં આપ્યો છે. સંઘ શું વિચાર કરી રહ્યો છે એ અંગે ટ્રસ્ટી પ્રમુખ બિપિન સંઘવીએ જણાવ્યું હતું કે હરેશ અવલાણી અને પ્રવીણ છેડાનો એ આપસનો મામલો છે એમાં સંઘ શું કરી શકે? સંઘની પરંપરા રહી છે કે આમંત્રિતોનું હંમેશાં બહુમાન કરવામાં આવતું હોય છે. હવે તેઓ બંને વચ્ચે બહાર નીકળ્યા બાદ શું થયું એમાં સંઘ શું કરે? તેમ છતાં ભવિષ્યમાં આવી કોઇ બાબત ન બને એ માટે સંઘ વિચારણા કરશે.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button