પુણેમાં કાર અકસ્માત: ટીનેજરના દાદાની ધરપકડ, પિતા વિરુદ્ધ ગુનો
પરિવારના ડ્રાઇવરને ખોટી રીતે ગોંધી રાખવાનો આરોપ
પુણે: પુણેમાં કલ્યાણી નગર જંકશન પર મળસકે બે સોફ્ટવેર એન્જિનિયરને પોર્શે કાર નીચે કચડી નાખનારા 17 વર્ષના ટીનેજરના દાદા સુરેન્દ્રકુમાર અગ્રવાલની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે ટીનેજરના પિતા વિશાલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. પરિવારનો ડ્રાઇવર પોલીસ સમક્ષ જુબાની આપવા ન જાય તે માટે તેને ખોટી રીતે ગોંધી રાખવાનો તેમના પર આરોપ છે. પુણે કાર અકસ્માત કેસમાં વિશાલ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
ટીનેજરના દાદા સુરેન્દ્રકુમારને શનિવારે કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને 28 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. તપાસકર્તા પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે તેમણે આરોપીના ઘરેથી સીસીટીવીનું ડીવીઆર (ડિજિટલ વીડિયો રેકોર્ડર) જપ્ત કર્યું હતું. પ્રાથમિક તપાસમાં ફૂટેજ સાથે કથિત ચેડાં કરવામાં આવ્યા હોવાનું જણાયું છે. આથી તેને સાયબર એનાલિસિસ માટે મોકલવાની જરૂર છે. પોલીસે કહ્યું હતું કે તેઓ ડ્રાઇવરનો મોબાઇલ જપ્ત કરવા માગે છે.
આ પણ વાંચો: પુણેમાં કાર અકસ્માત: સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ થવી જોઇએ: મૃતકોના પરિવારની માગણી
પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે પરિવારે એવું બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે ઘટનાને દિવસે ટીનેજર નહીં, પણ ડ્રાઇવર કાર ચલાવી રહ્યો હતો. જોકે ડ્રાઇવરની ફરિયાદ બાદ યેરવડા પોલીસ સ્ટેશનમાં વિશાલ અને સુરેન્દ્રકુમાર સામે ગુનો દાખલ કરાયો હતો.
બંને વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 365 (ગોપનીય ઇરાદાથી અપહરણ કરી ગોંધી રાખવો) અને 368 (બંધક બનાવી રાખવો) હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અકસ્માત બાદ ટીનેજરના પિતા અને દાદાએ ડ્રાઇવરનો મોબાઇલ પોતાની પાસે રાખી લીધો હતો અને તેને 19થી 20 મે સુધી તેમના બંગલોના પરિસરમાં આવેલા ઘરમાં બંધ બનાવી રાખ્યો હતો. આખરે ડ્રાઇવરની પત્નીએ તેનો છુટકારો કરાવ્યો હતો. બાદમાં આ પ્રકરણે ફરિયાદ નોંધાવાઇ હતી.
ડ્રાઇવરે કહ્યું હતું કે ટીનેજરના પિતા અને દાદાએ તેને બંધક બનાવી રાખ્યો અને રવિવારે વહેલી સવારે બાઇખને અડફેટે લીધી ત્યારે પોર્શે કાર તે ચલાવી રહ્યો હતો એવું કહીંને દોષ પોતાના પર લેવા માટે તેમણે દબાણ કર્યું હતું.