પુણેમાં કાર અકસ્માત: સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ થવી જોઇએ: મૃતકોના પરિવારની માગણી
પુણે: પોર્શે કારે મોટરસાઇકલને અડફેટે લેતાં મૃત્યુ પામેલા બે સોફ્ટવેર એન્જિનિયરના પરિવારના સભ્યોએ માગણી કરી છે કે મામલાની તપાસ અને કેસના ખટલા પર સુપ્રીમ કોર્ટે દેખરેખ રાખવી જોઇએ. મૃતકો મધ્ય પ્રદેશના વતની હોવાથી કેસનો ખટલો મહારાષ્ટ્રમાં નહીં, પણ મધ્ય પ્રદેશમાં ચલાવવો જોઇએ, એવું પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રવિવારે મળસકે પોર્શે કાર ચલાવી રહેલા સગીરે મોટરસાઇકલને ટક્કર મારતાં અનિશ અવધિયા (24) અને અશ્ર્વિની કોસ્ટા (24)નાં મોત થયાં હતાં.અશ્ર્વિની જબલપુરની અને અનિશ ઉમારિયા જિલ્લામાં બિરસિંહપુર પાલીનો છે.
અશ્ર્વિનીના પિતા સુરેશ કુમાર કોસ્ટાએ જણાવ્યું હતું કે અમને ન્યાય મળે એ માટે તપાસ અને ખટલાની દેખરેખ સુપ્રીમ કોર્ટે રાખવી જોઇએ.
ગુનાનો પ્રકાર ગંભીર હોવાથી આરોપી સામે પુખ્ત તરીકે ખટલો ચલાવવો જોઇએ. આરોપીએ અકસ્માત કર્યો ત્યારે તે દારૂના નશામાં ચૂર હતો. અમને ન્યાય મળે તે માટે ખટલો પુણેમાં નહીં, પણ મધ્ય પ્રદેશમાં ચલાવવો જોઇએ. આરોપી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું છતાં તેને પોલીસે વીઆઇપી ટ્રીટમેન્ટ આપી હતી. આ અકસ્માતને ડબલ મર્ડર તરીકે ગણવો જોઇએ, એમ પણ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઇ)