ગુવાહાટી: મંગળવારે દિલ્હી કેપિટલ્સે લખનઊ સુપર જાયન્ટ્સને હરાવવાને પગલે સંજુ સૅમસનની કૅપ્ટન્સીવાળી રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમને પ્લે-ઑફમાં સીધો પ્રવેશ મળી ગયો હતો, પરંતુ બુધવારે રાજસ્થાને બૅટિંગ લીધા પછી અસરહીન પર્ફોર્મ કર્યું હતું. 20 ઓવરને અંતે રાજસ્થાનની ટીમે નવ વિકેટે 144 રન બનાવ્યા હતા.
રિયાન પરાગ (48 રન, 34 બૉલ, છ ફોર) સિવાય બીજો કોઈ બૅટર લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો. માત્ર આર. અશ્ર્વિન (28 રન, 19 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) સાથેની તેની 50 રનની ભાગીદારી રાજસ્થાનની ઇનિંગ્સનું સૌથી મોટું આકર્ષણ હતું.
ઇંગ્લૅન્ડના ટૉમ કોહલર-કૅડમોર (18 રન, 23 બૉલ, એક સિક્સર, બે ફોર) અને સૅમસન (18 રન, 15 બૉલ, ત્રણ ફોર) સારી શરૂઆત પછી લાંબો દાવ નહોતા રમી શક્યા. આગામી ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ યશસ્વી જયસ્વાલ ફક્ત ચાર રન બનાવીને પોતાના ચોથા બૉલમાં આઉટ થઈ ગયો હતો. તેને સૅમ કરૅને ક્લીન બોલ્ડ કર્યો હતો.
પ્લે-ઑફની રેસમાંથી બહાર ફેંકાઈ ગયેલી પંજાબની ટીમના મુખ્ય પેસ બોલર હર્ષલ પટેલે (4-0-28-2) બન્ને વિકેટ 20મી ઓવરમાં લીધી હતી. એ સાથે, આ સીઝનમાં હર્ષલની બાવીસ વિકેટ થઈ છે અને મુંબઈના જસપ્રીત બુમરાહ (20 વિકેટ)ને તેણે ઓળંગી લેતાં પર્પલ કૅપ હવે માત્ર હર્ષલ પાસે છે. સૅમ અને રાહુલ ચાહરને પણ બે-બે વિકેટ મળી હતી.