માસ્ટર કાર્ડ ફ્રોડમાં ખાનગી બૅન્ક સાથે4.47 કરોડની છેતરપિંડી: ત્રણ પકડાયા
મુંબઈ: ક્રેડિટ કાર્ડના ડેટા સાથે ચેડાં કરી ખાનગી બૅન્ક સાથે 4.47 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરનારી સાયબર ઠગની ટોળકીનો પર્દાફાશ કરી સાયબર પોલીસે રાજસ્થાનથી ત્રણ જણની ધરપકડ કરી હતી. આ ટોળકીએ ઠગાઈની નવતર પદ્ધતિનો ઉપયોગ કરી માસ્ટર કાર્ડ્સની ક્રેડિટ લિમિટ કરતાં વધુ ખરીદી કરી બૅન્કને નાણાં ચૂકવ્યાં ન હોવાનું તપાસમાં જણાયું હતું.
જોધપુરથી પકડાયેલા ત્રણેય શકમંદની ઓળખ મૂકેશ હીરાલાલ, વિશાલ ચૌહાણ અને મયંક તરીકે થઈ હતી. ખાનગી બૅન્કની અંધેરી શાખાના વાઈસ પ્રેસિડેન્ટે નોંધાવેલી ફરિયાદને આધારે સાયબર પોલીસે ગુનો નોંધ્યા પછી તપાસને આધારે ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા.
ફરિયાદ અનુસાર અમુક ખાતાધારકોએ કરેલી અરજીને પગલે બૅન્ક દ્વારા તેમને માસ્ટર કાર્ડ આપવામાં આવ્યાં હતાં. જુલાઈ, 2023માં બૅન્ક અધિકારીના ધ્યાનમાં આવ્યું હતું કે ખાતાધારકો દ્વારા આ માસ્ટર કાર્ડથી તેમને આપવામાં આવેલી ક્રેડિટ લિમિટ કરતાં અનેક ગણી વધુ કિંમતની ખરીદી કરવામાં આવી રહી છે. ઉપરાંત, કેટલાંક વર્ષથી કાર્ડનાં બિલ અને બાકી નાણાં પરનું વ્યાજ પણ ચૂકવવામાં આવ્યું નથી. આ અંગે તપાસ કરવામાં આવતાં ઠગાઈ માટે 34 ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું.
ફરિયાદ અનુસાર માસ્ટર કાર્ડથી વિદેશમાં પણ ખરીદી કરી શકાતી હોવાથી ઠગ ટોળકી તેનો લાભ ઉઠાવતી હતી. દરેક ખરીદી પછી એટોમેટિકલી ક્રેડિટ લિમિટ પણ વધી જતી હતી. પરિણામે 34 કાર્ડધારકોએ કરોડો રૂપિયાની ખરીદી કરી બૅન્કને નાણાં ચૂકવ્યાં નહોતાં. આ રીતે સમયસર ન ચૂકવાયેલાં બિલ પરના વ્યાજ સાથે 4.72 કરોડ રૂપિયાની બૅન્ક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
બૅન્ક દ્વારા 34 કાર્ડધારકોનો ફોન, મેસેજીસ અને ઈ-મેઈલ્સ દ્વારા સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. આ પ્રકરણે ગુનો નોંધી સાયબર પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી આરોપી રાજસ્થાનમાં હોવાનું શોધી કાઢ્યું હતું. રાજસ્થાનથી પકડાયેલા આરોપીઓની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે. આ ઠગાઈમાં વધુ આરોપીની સંડોવણીની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.