પ્રજામત
મંદિરોને દાન અને સોનાનો ચડાવો
દેશના સૌથી વધારે ધનાઢ્ય મંદિર તરીકે ખ્યાતનામ થયેલ તિરૂપતિ બાલાજી અને શીરડી સાંઈ મંદિરને દાનમાં મળતી રોકડ રકમનો આંકડો વાંચીને આંખો ચાર થઈ જાય છે. ઉપર્યુક્ત મંદિરો સહિત અને તે ઉપરાંત અંબાજી મંદિરને કરવામાં આવતા સોનાનો ચડાવો ધ્યાનમાં લેતા એમ જરૂર કહી શકાય કે આ દેશ ગરીબ તો નથી જ અને દેશનાં તમામ મંદિરોને થતી દાનની આવક ગણતરીમાં લઈએ તો રાજ્ય તેમ જ કેન્દ્ર સરકારના બજેટની ખાધ પૂરી શકાય તેમ છે.
આ તો દરેકની શ્રદ્ધાની અને બંધારણ અંતર્ગત ધર્મ સ્વાતંત્ર્ય અધિકારની બાબત આપણે તેને સન્માનીએ છીએ. પરંતુ એક પ્રશ્ર્ન જરૂર મનમાં ઉદ્ભવે કે જે રાજ્યની શાળાનાં મકાનો ખંડેર હાલતમાં હોય, જ્યાં પાણી અને ટોઈલેટની સુવિધા ન હોય, રમત-ગમતના મેદાન ગેરહાજર હોય, શિક્ષકોની હજારોની સંખ્યામાં ખોટ હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જેમની નિયમિત હાજરીની અપેક્ષા હોય, તે તબીબ નિયમિત રીતે ગેરહાજર હોય, સારા વરસાદ છતાં ગ્રામ વિસ્તારોમાં જ શિયાળામાં પાણીની બુમરાણ શરૂ થઈ જતું હોય, ત્યારે આ અધધધ રકમ શું લોકહિતનાં આવાં કામો તરફ વાળી ન શકાય? ભલે મંદિરને દાન કે સોનાનો ચડાવો થાય, પરંતુ તેમાંથી ચોક્કસ ટકાવારી ફરજિયાત આવાં લોકહિતનાં કામો તરફ વાળવામાં આવે તો પ્રજાકીય મુશ્કેલીઓમાં સુધારો થઈ શકે.
- અશ્ર્વિનકુમાર ન. કારીયા, પાલનપુર
પ્લાસ્ટિક થેલી પ્રતિબંધ બાબત
મુંબઈ નગર પાલિકા અવાર નવાર પ્લાસ્ટિક થેલી ઉપર પ્રતિબંધ અંગે નિયમો તેમ જ દંડ વસૂલીની જાહેરાત કર્યા કરે છે. પરંતુ તેઓ વેચાણકર્તા અને વપરાશકારોને પકડવાની અને તેમને અપરાધ કરવા બદલ દંડ કરવો એવા સૂચનો કર્યા કરે છે. પરંતુ તેમ કરવાને બદલે જો અધિકારીઓને જ્યાં પ્લાસ્ટિક થેલીઓનું ઉત્પાદન થાય છે. ત્યાં તપાસ કરવાનો આદેશ આપવો જોઈએ. જેથી ઉત્પાદન થતું અટકી જાય એટલે આપોઆપ તેનો અંત આવી જશે. ઉત્પાદન બંધ થશે એટલે વેચાણ તેમ જ વપરાશ નહીં થાય. માટે વડીલો કહી ગયા છે કે કોઈપણ દૂષણને અટકાવવો હોય તો તેના મૂળમાંથી ઉખેડી નાખો તેની ડાળીઓ અને શાખાઓ ઉપર હુમલો કરવાથી દૂષણ નાશ નહીં થાય માટે જ્યાં ઉત્પાદન થાય છે ત્યાં જ અટકાવવા નિયમો બનાવવા જોઈએ તો તેનું પરિણામ સો ટકા સફળ થશે.
- ચેતનભાઈ મહેતા, માટુંગા (સે.રે.)
અવિશ્ર્વાસ ઠરાવ પરની ચર્ચા નિરાશાજનક
મણિપુર ઘટનાને લઈને વિરોધ પક્ષોએ દિવસો સુધી સંસદમાં હોબાળો મચાવી બંને ગૃહોની કાર્યવાહી ચાલવા દીધી નહીં. મોદી સરકાર સામે અવિશ્ર્વાસ ઠરાવની હાર નિશ્ર્ચિત હતી. પરંતુ વિરોધ પક્ષોના સંયુક્ત પ્રયાસથી માનનીય વડા પ્રધાનને સંસદમાં હાજર રાખવાની યુક્તિમાં સફળતા મળી. આ ઠરાવ પરની ચર્ચા માટે ફાળવાયેલ દિવસો દરમ્યાન વિરોધ પક્ષના નેતાઓ તેમ જ માનનીય વડા પ્રધાને રજૂ કરેલ વક્તવ્યો એકંદર નિરાશાજનક અને કંટાળાજનક હતા. રાહુલ ગાંધી જાણે કોઈ તૈયારી વગર બોલતા હોય તેમ લાગતું હતું. વડા પ્રધાન સંસદને નહીં, પરંતુ કોઈ ચૂંટણી સભાને સંબોધતા હોય તેમ લાગતું હતું. બે કલાક અને બાર મિનિટ સુધી તેમના ચાલેલા આ વકતવ્યમાં તેમણે ૪૪ વખત કૉંગ્રેસને આડા હાથે લીધી અને તેટલી જ વખત સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો. કેટલાક નિરીક્ષકોનું કહેવું છે કે જાણે સરકાર કૉંગ્રેસની હોય અને નરેન્દ્ર મોદી વિરોધ પક્ષના નેતા હોય તેવો માહોલ જણાતો હતો. સંસદમાં અવિશ્ર્વાસ પરની વિરોધી નેતાઓની ચર્ચા સાંભળ્યા વગર મોદી જવાબ આપી રહ્યા હતા અને તેથી કદાચ નિરીક્ષકોને તેમ લાગ્યું હોવાનો સંભવ છે. ટૂંકમાં મણિપુર મુદ્દે ગાજ્યા મેઘ વરસ્યા જ નહીં. કોઈ રાજકીય પક્ષ આ મુદ્દે ગંભીર જણાતો ન હતો.
- અશ્ર્વિનકુમાર ન. કારીઆ, પાલનપુર