કૉંગ્રેસને બધેથી સાફ કરી નાખો: વડા પ્રધાન મોદીની ઉત્તરાખંડમાં હાકલ
રૂદ્રપુર: ભાજપ દેશમાં ત્રીજી વખત સત્તા પર આવશે તો આખા દેશમાં આગ ફાટી નીકળશે એવું સૂચવતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટિપ્પણી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરી હતી.
ઉત્તરાખંડમાં ઉધમસિંહ નગર જિલ્લામાં આવેલી રૂદ્રપુરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરતાં તેમણે કહ્યું હતું કે સત્તાથી વંચિત રહેવાને કારણે કૉંગ્રેસ પાર્ટી અત્યંત હતાશ થઈ ગયા છે અને તેમણે આ પાર્ટીને બધેથી ભૂસી નાખવાની હાકલ કરી હતી.
કૉંગ્રેસના શાહજાદાએ ધમકી આપી છે કે મોદી વધુ એક વખત ચૂંટાઈ આવશે તો આગ લાગશે.
સત્તાની બહાર રહીને તેઓ કેટલા હતાશ થઈ ગયા છે કે તેઓ હવે બધે આગ લગાડવાની વાતો કરી રહ્યા છે. શું તમે એ લોકોને આવું કરવા દેશો? શું તમે તેમને સજા નહીં આપો? એમ વડા પ્રધાન મોદીએ પુછ્યું હતું. તેમણે કૉંગ્રેસ પર દેશને અસ્થિરતા અને અરાજકતામાં ધકેલવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો.
રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો ભાજપ મેચ-ફિક્સિગં દ્વારા ચૂંટણીઓ જીતી જશે તો બંધારણમાં ફેરફાર કરશે તો આખા દેશમાં આગ લાગશે અને તેઓ બચી શકશે નહીં.
વડા પ્રધાને મંગળવારે ભારપુર્વક કહ્યું હતુું કે ભ્રષ્ટાચારીઓ સામેની કાર્યવાહી ચાલુ રહેશે.
તમને નથી લાગતું કે ભ્રષ્ટાચારીએ જેલમાં જવું જોઈએ? ભ્રષ્ટાચારીઓ મને ધમકી આપે છે અને ગાળો આપે છે. પરંતુ તેઓ મને રોકી શકશે નહીં. દરેક ભ્રષ્ટાચારી સામે કાર્યવાહી ચાલુ જ રહેશે, એમ મોદીએ કહ્યું હતું.
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ધરપકડ બાદ વિપક્ષી પાર્ટીઓ દ્વારા તેમના પર થઈ રહેલી ટીકાના સંદર્ભમાં તેમણે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
લોકોને વધુ શક્તિ આપવાની હાકલ કરતાં તેમણે કહ્યું હતું કે મોદીની ગેરેન્ટી એટલે વચનપૂર્તિની ગેરેન્ટી. વિકાસ ત્યારે જ થાય છે જ્યારે ઈરાદાઓ સાચા હોય. સાચા ઈરાદાઓ સારા પરિણામ લાવે છે, એમ પણ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)