ટોપ ન્યૂઝ

સંસદમાં ઘુસણખોરીનો માસ્ટર માઇન્ડ કોણ છે, જાણો તેની કર્મ કુંડળી

નવી દિલ્હીઃ સંસદ ભવનમાં ઘુસણખોરી કરવાના કેસમાં અત્યાર સુધીમાં ચાર જણની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં નીલમ, મનોરંજન, સાગર અને અમોલ શિંદેનો સમાવેશ થાય છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે આ ઘુસણખોરીના કાવતરાનો માસ્ટર માઇન્ડ ફરાર છે. આ કેસમાં ચાર નહીં પણ પાંચ આરોપી છે. હાલમાં તો ઘટનાના માસ્ટરમાઇન્ડને શોધવા માટે દેશની સિક્યોરિટી આકાશ પાતાળ એક કરી રહી છે અને તેની દરેક ગતિવિધિઓ અને ઠેકાણા પર ચાંપતી નજર રાખી રહી છે.

સંસદમાં ઘુસણખોરીના કાવતરાનો સૂત્રધાર અને પાંચમો આરોપી લલિત ઝા હજુ ફરાર છે. આશ્ચર્યની વાત એ છે કે ઘટના સમયે તે સંસદની આસપાસ પણ હાજર હતો, પરંતુ જ્યારે હંગામો થયો ત્યારે તે ભાગી ગયો હતો. તેનું સ્થાન સતત બદલાતું રહે છે. લલિત પાસે ધરપકડ કરાયેલા ચાર આરોપીઓના ફોન પણ છે. તેનું છેલ્લું લોકેશન રાજસ્થાન હોવાનું કહેવાય છે. આ દરમિયાન તેનું કોલકાતા કનેક્શન પણ સામે આવ્યું છે.

દિલ્હી પોલીસની ટીમ રાજસ્થાન અને કોલકાતામાં પાંચમા આરોપી લલિત ઝાની શોધ ચલાવી રહી છે. દિલ્હી પોલીસની ટીમ રાજસ્થાનમાં દરોડા પાડી રહી છે. આરોપી લલિતની ધરપકડ માટે દરોડા ચાલુ છે. બીજી તરફ રાજસ્થાનના નાગૌર પાસે પોલીસના દરોડા દરમિયાન આરોપી લલિતે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. અહીં જ લલિતનું છેલ્લું લોકેશન બહાર આવ્યું છે. તે હવે ઈન્ટરનેટનો ઉપયોગ પણ નથી કરતો. આ એ જ લલિત છે જેની પાસે 4 આરોપીઓના મોબાઈલ ફોન પણ છે. પોલીસને શંકા છે કે મોબાઈલમાં ષડયંત્ર સંબંધિત ઘણા પુરાવા હોઈ શકે છે, જેને લલિત ઝા ભૂંસી નાખવાનો પ્રયાસ કરી શકે છે.

કોલકાતામાં લલિત ઝાનું વધુ એક ઠેકાણું સામે આવ્યું છે. એમ જાણવા મળ્યું છે કે મધ્ય કોલકાતાના ગિરીશ પાર્કમાં લલિત ઝાના પિતા રહેતા હતા. લલિતના પિતા વ્યવસાયે પંડિત છે. લલિત અને તેનો ભાઇ તેના પિતા સાથે ક્યારેક ક્યારેક અહીં રહેવા આવતા હતા, પરંતુ કોરોના સમયગાળા બાદ લલિત અહીં આવ્યો નથી. લલિત ઝા એક NGO સાથે પણ જોડાયેલો છે. આ NGO કોલકાતામાં છે. તે આ NGOનો જનરલ સેક્રેટરી છે. એટલું જ નહીં, એમ પણ જાણવા મળ્યું છે કે લલિત ઝાએ NGOના સ્થાપકને સંસદની સુરક્ષામાં ખામીનો વીડિયો પણ વોટ્સએપ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં તેની કુંડળી સામે આવી છે. લલિત ઝા કથિત રીતે કોલકાતામાં ઘણા સામાજિક સમારોહમાં ભાગ લેતો હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ એજન્સીઓની પૂછપરછ દરમિયાન ચાર આરોપીએ ખુલાસો કર્યો હતો કે લલિત ઝાના કહેવા પર સ્મોક કલર એટેક માટે 13 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. લલિત ઝાએ તમામ આરોપીઓને ગુરુગ્રામમાં મીટિંગ માટે બોલાવ્યા હતા. લલિત ઝાએ જ કલર એટેકનો વીડિયો પોતાના મોબાઈલમાં શૂટ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button