
નવી દિલ્હી: દેશના ઘણાં રાજ્યમાં વરસાદ બાદ ઠંડીની શરુઆત થઇ ગઇ છે. જ્યારે દક્ષિણ અને નોર્થઇસ્ટ રાજ્યમાં હજી પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાએ રાજધાની દિલ્હીમાં આગામી બે દિવસ સુધી હલકું ધુમ્મસભર્યુ વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આઇએમડીની આગાહી મુજબ કેરલમાં 23 અને 24 ઓક્ટોબરના રોજ વરસાદની શક્યતાઓ છે. જ્યારે મિઝોરમ, નાગાલેન્ડ અને મણીપુરમાં 24 ઓક્ટોબરના રોજ વરસાદની શક્યતાઓ રહેલી છે.
હવામાન ખાતા દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હીમાં શનિવાર 21 ઓક્ટોબરના રોજ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. એટલું જ નહીં પણ આવનારા દિવસોમાં તાપમાનમાં વધુ ઘટ નોંધાઇ શકે છે. શુક્રવારે દિલ્હી એનસીઆરનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાંબે ડિગ્રી ઓછું 16 ડિગ્રી નોંધાયું હતું. વાયુ ગુણવત્તા સુચકાંક (એક્યુઆઇ)260 નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે જો એક્યુઆઇ ઝીરોથી 50ની વચ્ચે હોય તો તેનો અર્થ છે કે એર ક્વાલિટી સારી છે. જો 50 થી 100ની વચ્ચે હોય તો તેને સંતોષકારક કહી શકાય. ઉપરાંત 101થી 200 વચ્ચે મધ્યમ તથા 201થી 300 ખરાબ એક્યુઆઇ દર્શાવે છે. 401થી 500ની વચ્ચે જો હોય તો એર ક્વાલિટીનું સ્તર ગંભીર માનવામાં આવે છે.
આજે રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં જોરદાર પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. તેથી ઠંડી વધવાની પણ શક્યતાઓ છે. ઉત્તર પ્રદેશમાં પણ વાતાવરણ બદલાઇ રહ્યું છે. અહીં દિવસે વાતાવરણ સામાન્ય હોય છે અને પણ સવારના સમયે થોડી ઠંડીનો અહેસાસ થાય છે. હવામાન ખાતા મુજબ આજે 21મી ઓક્ટોબરના દિવસે યુપીના તમામ જિલ્લાઓમાં વાતાવરણ શુષ્ક રહેશે. સાથે સાતએ કેરલ અને લક્ષદ્વિપમાં આજે મધ્યમથી ભારે વરસાદ થઇ શકે છે. ઉપરાંત આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના કિનારાના વિસ્તારો તથા તામીલનાડુ, સિક્કીમ અને પૂર્વોત્તર ભારતમાં ધીમા વરસાદની શક્યતાઓ રહેલી છે.