ઉત્તરાખંડના હલ્દ્વાની ગુરુવારે હિંસા ફાટી નીકળી છે (uttrakhand Haldwani Violence). મલિકા બગીચા સ્થિત મદરેસા અને મસ્જિદ પર વહીવટીતંત્રની બુલડોઝર કાર્યવાહી બાદ, તોફાની તત્વોએ પથ્થરમારો અને આગચંપી શરૂ કરી હતી, જેમાં ઘણા પોલીસ જવાનો ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓને રોકવા માટે વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે.
અસામાજિક-તોફાની તત્વોને વિખેરવા માટે પોલીસે હવામાં ગોળીબાર કર્યો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. સ્થિતિ કાબૂ બહાર થતી જોઈને મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ (uttarakhand cm Pushkar Singh Dhami) કડક સૂચના આપી છે. પોલીસને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. (shoot at sight order)
તોફાન કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો મુખ્યપ્રધાને અધિકારીઓને આદેશ જારી કરી દીધા છે. પરિસ્થિતિને જોતા બાનભૂલપુરા જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લામાં કર્ફ્યુ લાદી દીધો છે. મામલાની ગંભીરતાને લઈને મુખ્યપ્રધાન પુષ્કર ધામીએ તાત્કાલિક હાઇ લેવલ મિટિંગ બોલાવી છે. બેઠકમાં, મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સાથે અન્ય વરિષ્ઠ પોલીસ અને ગુપ્તચર અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. CMએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
આપને જણાવી દઈએ કે દેખાવકારો બાણભૂલપુરા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને પથ્થરમારો કરી રહ્યા હતા. પોલીસ સ્ટેશનમાં ઘૂસીને અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પોલીસ સ્ટેશનની અંદર છુપાયેલા પોલીસકર્મીઓ બહાર પથ્થરમારો અને આગચંપીની વાત કહી રહ્યા છે.
આ ઘટનાના મૂળ કારણની જો વાત કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનર પંકજ ઉપાધ્યાય પ્રમાણે, મદરેસા અને નમાઝની જગ્યા સંપૂર્ણપણે ગેરકાયદે છે. મહાનગરપાલિકાએ અગાઉ તેની પાસેની ત્રણ એકર જમીનનો કબજો લીધો હતો. ગેરકાયદેસર મદરેસા અને નમાઝની જગ્યા સીલ કરી દેવામાં આવી હતી. હવે આજે તેને તોડી પાડવામાં આવ્યું છે.
કાર્યવાહી દરમિયાન પથ્થરમારો કરનારા બેકાબુ તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે. તેની ધરપકડ કરવામાં આવી રહી છે. ઘટનામાં વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત 100થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે બેઝ હોસ્પિટલ અને ડૉ. સુશીલા તિવારી હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે.