સુરત, મોરબી, વડોદરા અને હવે રાજકોટ, ગુજરાતમાં બનેલા આ અકસ્માતોએ દેશને હચમચાવી દીધો
ગઈ કાલે 25 મેની સાંજે રાજકોટના નાનામવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ(TRP Game Zone)ની ઘટનામાં 12 બાળકો સહિત 35 લોકોના મોત થયા હતા. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ અંગે દેશભરમાં શોકની લાગણી છે. 25મી મેનો દિવસ ગુજરાતના ઈતિહાસમાં કાળા દિવસ તારીખે નોંધાયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં આવી ગોઝારી ઘટનાઓ બની છે.
સુરતમાં તક્ષશિલા આગની ઘટના:
24 મે 2019ના રોજ ગુજરાતના સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા કોમ્પ્લેક્સમાં આવેલા કોચિંગ સેન્ટરમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ કોચિંગ સેન્ટર તક્ષશિલા કોમ્પ્લેક્સના ત્રીજા અને ચોથા માળે આવેલું હતું. આ કોચિંગ સેન્ટરમાં કિશોર વયના વિદ્યાર્થીઓ હતા. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. ત્યાર બાદ સફાળી જાગેલી સરકારે રાજ્યભરના કોચિંગ સેન્ટરોમાં ફાયર સેફટીની તાપસ હાથધરી હતી.
મોરબી બ્રિજ દુર્ઘટના:
૩૦મી ઑક્ટોબર 2022, રવિવારની સાંજે મોરબીની મચ્છુ નદી પર આવેલો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. દિવાળી વેકેશનમાં ફરવા નીકળેલા લોકોની ખુશી માતમમાં ફેરવાઈ જશે. મોરબી શહેરમાં બનેલી આ ભયાનક ઘટના છેલ્લા ઘણા વર્ષોમાં ભારતમાં બનેલી સૌથી ખરાબ દુર્ઘટના પૈકીની એક છે. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ, બાળકો અને વૃદ્ધો હતા. 137 વર્ષ જૂનો ઝૂલતો પુલ દુર્ઘટનાના પાંચ દિવસ પહેલા સમારકામ બાદ ફરીથી ખુલ્લો મુકાયો હતો.
વડોદરાના હરણી તળાવબોટ દુર્ઘટના:
18 જાન્યુઆરી, 2024 ના રોજ, ગુજરાતના વડોદરા શહેરના હરણી તળાવમાં પિકનિક કરવા આવેલા વિદ્યાર્થીઓનો આનંદ માતમમાં ફેરવાયો હતો. તળાવમાં એક બોટ પલટી જતાં 14 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સહિત 16 લોકોનાં મોત થયાં હતાં.
રાજકોટ TRP ગેમ ઝોન આગ દુર્ઘટના:
રાજકોટના નાના-મવા રોડ પર આવેલા ગેમ ઝોનમાં શનિવારે (25 મે) સાંજે ભયંકર આગ લાગી હતી. આ ગેમ ઝોનમાં રમી રહેલા માસૂમ બાળકોના મા-બાપને ખબર ન હતી કે આ બાળકોનું હાસ્ય એક જ ક્ષણમાં સમાપ્ત થઈ જશે. ઉનાળાની રજાઓ અને વીકએન્ડના ધસારાને કારણે બિલ્ડિંગમાં અંદાજે 300 લોકો હતા, જેમાંથી ઘણા બાળકો હતા. આ અકસ્માતમાં 12 બાળકો સહિત 35 લોકોના મોત થયા છે.