રિલાયન્સને આપેલા પાંચ એરપોર્ટ મહારાષ્ટ્ર સરકાર પાછા લેશે
14 વર્ષ સુધી વિમાનસેવા ચાલુ થઈ શકી ન હોવાથી અજિત પવારે આપ્યો આદેશ
વિપુલ વૈદ્ય
મુંબઈ: રાજ્ય સરકારે 2009માં સરકારી જમીન પર એરપોર્ટના વિકાસ અને ત્યાંની પેસેન્જર સર્વિસ ચાલુ કરવા માટે એમઆઈડીસી (મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ની માલિકીના એરપોર્ટ અનિલ અંબાણીની કંપની રિલાયન્સને આપવામાં આવ્યા હતા. નાંદેડ, લાતુર, ધારાશિવ (ઉસ્માનાબાદ), યવતમાળ અને બારામતી એરપોર્ટના ડેવલપમેન્ટના કામ આપવામાં આવ્યા હતા. આ પાંચેય એરપોર્ટ રિલાયન્સ કંપનીને લીઝ પર આપવામાં આવ્યા બાદ છેલ્લા 14 વર્ષમાં અહીં વિમાનસેવા શરૂ થઈ શકી નથી, તેથી તેનો તાબો ફરી એક વખત એમઆઈડીસીએ લઈ લેવા માટેની પ્રક્રિયા તાકીદે શરૂ કરવાનો આદેશ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે આપ્યો હતો.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની અધ્યક્ષતા હેઠળ એમઆઈડીસીએ વિકસિત કરેલા એરપોર્ટ બાબતે બુધવારે મંત્રાલયમાં બેઠક થઈ હતી અને તેમાં ઉદ્યોગ ખાતાના પ્રધાન ઉદય સામંત, નાણાં ખાતાના અપર મુખ્ય સચિવ નીતિન કરીર, સામાન્ય પ્રશાસન વિભાગના અપર મુખ્ય સચિવ (વિમાન સંચાલન) દીપક કપૂર અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્ર એરપોર્ટ કંપનીના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર સ્વાતી પાંડેએ આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો.
એમઆઈડીસી દ્વારા વિકસિત કરવામાં આવેલા એરપોર્ટની અત્યારની સ્થિતિની સમીક્ષા કરતાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે રાજ્યમાં પરિવહનના માધ્યમોનો વિકાસ કરતી વખતે નાના શહેરોમાં વિમાનસેવા શરૂ કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
મહાનગરોના એરપોર્ટ પરનો લોડ ઓછો કરવા માટે રાજ્યના બાકીના વિસ્તારોમાં એરપોર્ટ ચાલુ થવા જોઈએ. કેટલાક એરપોર્ટ પર રન-વે વધારવા જોઈએ. કેટલેક સ્થળે નાઈટ લેન્ડિંગની સુવિધા આને કારણે ટ્રાફિક જૅમ જેવી સ્થિતિ ઘટાડવામાં મદદ મળશે તેમ જ નાગરિકોને પરવડી શકે એવા દરે વિમાનપ્રવાસ કરવાની તક મળશે.
આ બેઠકમાં ઉપરોક્ત પાંચ એરપોર્ટનો મુદ્દો નીકળ્યો ત્યારે અજિત પવારે એરપોર્ટની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી અને પાંચેય એરપોર્ટની હાલત 14 વર્ષે પણ સેવા ચાલુ થઈ ન શકી હોવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે એમઆઈડીસીને પાંચેય એરપોર્ટ પાછા લઈ લેવાની કાર્યવાહી તાકીદે શરૂ કરવાનો આદેશ આપ્યો હતો