નવી દિલ્હી: આજે યોજાયેલી મહત્વની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે NEET PGની પરીક્ષા પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. આથી પરીક્ષા 11 ઓગસ્ટ, રવિવારના રોજ માત્ર બે શિફ્ટમાં લેવામાં આવશે. CJIએ સુનાવણી દરમિયાન કહ્યું કે હવે અમે NEET PGને કેવી રીતે મુલતવી રાખી શકીએ. અરજી પર સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું કે અમે પરીક્ષા મોકૂફ રાખવાની માંગ નથી કરી રહ્યા પરંતુ અમે પરીક્ષાને રીશેડ્યૂલ કરવાની માંગ કરી રહ્યા છીએ કારણ કે એક જ દિવસે બે પરીક્ષા છે.
CJIએ કહ્યું કે અમે નવી શિક્ષણ નીતિ નથી બનાવી શકતા અને આ કોઇ આદર્શ દુનિયા નથી. સૈદ્ધાંતિક રીતે અમે પરીક્ષાને રી-શેડ્યૂલ નહિ કરીએ. આ બાબતે 2 લાખ વિદ્યાર્થીઓ અને 4 લાખ વાલીઓને અસર પહોંચશે. શું 5 અરજદારોના કહેવાથી 2 લાખ વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમમાં મુકાઇ? આ અરજદારોને કારણે અમે આટલા બધા ઉમેદવારોની કારકિર્દીને જોખમમાં નાખી શકીએ નહીં. સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ આપ્યો છે કે NEET PG પરીક્ષા સ્થગિત કરવા પર કોઇ જ વિચાર નથી.
આ પણ વાંચો : NEET PG પરીક્ષા યોજાશે કે મોકુફ રહેશે ? આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
NBEMS એ 11મી ઓગસ્ટે 2 શિફ્ટમાં NEET PG પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે. જ્યારે પરીક્ષા એકથી વધુ શિફ્ટમાં લેવામાં આવે છે, ત્યારે મૂલ્યાંકન માટે નોર્મલાઇઝેશન ફોર્મ્યુલા અપનાવવામાં આવે છે. જોકે, બોર્ડે અત્યાર સુધી જારી કરાયેલી કોઈપણ પરિપત્રમાં નોર્મલાઇઝેશનની પદ્ધતિ વિશે માહિતી આપી નથી. આ અંગે ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
સુપ્રીમમાં દખાલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવી રહ્યું છે કે ઉમેદવારોની એક બેચને બીજી બેચ કરતાં વધુ મુશ્કેલ પ્રશ્નપત્રનો સામનો કરવો પડી શકે છે અને પરીક્ષાના આયોજન પૂર્વે નૉર્મલાઈઝેશન ફોર્મ્યુલાની જાણ કરવી જોઈએ જેથી કોઇ મનમાનીની શક્યતા ન રહે. આ સાથે જ અરજીમાં ઘણા ઉમેદવારોને જ્યાં તેમને પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવા શહેરો ફાળવવામાં આવ્યા હોવાની પણ બાબત સમાવવામાં આવી છે.