નવી દિલ્હી : દેશમાં નીટ-પીજી પરીક્ષાને(NEET PG 2024) મોકૂફ રાખવામાં આવશે કે નહીં તેની સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. જેમાં હાલ નીટ- પીજી પરીક્ષામાં સીટી સ્લિપનો મામલો ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સુધી પહોંચ્યો છે.સુપ્રીમ કોર્ટ શુક્રવારે 11 ઓગસ્ટે યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટને મોકૂફ રાખવાની માંગણી કરતી અરજી પર સુનાવણી કરવા સંમત થયા હતા.
અનસ તનવીરની દલીલો પર વિચાર કર્યો
આ અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઉમેદવારોને એવા શહેરો ફાળવવામાં આવ્યા છે. જ્યાં પહોંચવું તેમના માટે ખૂબ જ અસુવિધાજનક છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ગુરુવારે આ મુદ્દે વકીલ અનસ તનવીરની દલીલો પર વિચાર કર્યો હતો. બેન્ચે કહ્યું કે આ મામલો શુક્રવારે લિસ્ટ કરવામાં આવશે.
પરીક્ષા કેન્દ્રને લઈને શું છે વિવાદ?
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઘણા ઉમેદવારોને એવા શહેરો ફાળવવામાં આવ્યા છે જ્યાં પહોંચવું તેમના માટે અત્યંત અસુવિધાજનક છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પરીક્ષા માટેના શહેરોને 31 જુલાઈના રોજ ફાળવવામાં આવ્યા હતા અને ચોક્કસ કેન્દ્રોની જાહેરાત 8 ઓગસ્ટે કરવામાં આવશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રોની ફાળવણી ગેરરીતિઓને રોકવા માટે કરવામાં આવી હતી. પરંતુ સમયની મર્યાદાને કારણે ઉમેદવારો માટે ચોક્કસ શહેરોમાં મુસાફરીની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પરીક્ષા મોકૂફ રાખી હતી
વિશાલ સોરેન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, નીટ-પીજી 2024 પરીક્ષાને ફરીથી શેડ્યૂલ કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી ને નિર્દેશ આપતો આદેશ જાહેર કરો. જો કે આ પરીક્ષા જૂનમાં યોજાવાની હતી. કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તેને સાવચેતીના પગલા તરીકે તેને મોકૂફ રાખી હતી.