દિલ્હી: દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટ બાબતે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર દિલ્હી સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમની પાસે જાહેરાત માટે બજેટ છે પરંતુ મહત્વના પ્રોજેક્ટ્સ માટે નહીં. કોર્ટે કહ્યું કે શા માટે સરકારના હાથ મરોડીને પૈસા ચૂકવવા કહેવું પડે છે. કોર્ટે અગાઉના આદેશનું પાલન ન કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રિમ કોર્ટે દિલ્હી સરકારને પૂરા પૈસા ચુકવવા માટે વધુ સમય આપ્યો છે. હવે કોર્ટ આ કેસની સુનાવણી 7 ડિસેમ્બરે કરશે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કિશન કૌલે આજે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર 415 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે, પરંતુ આ રકમ NCRTCના ખાતામાં જમા કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે મંજુરીનો આદેશ જ કહે છે કે આંશિક પાલન કરવામાં આવ્યું છે. આંશિક પાલન નહીં પરંતુ સંપૂર્ણ પાલન થવું જોઈએ. આ સાથે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા દસ્તાવેજો રજુ કરવા કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે તે કોર્ટના આદેશનું પાલન ન કરવાને કારણે ચિંતિત છે. કોર્ટે કહ્યું કે સરકાર વિવિધ કોરિડોર માટે ચૂકવણીમાં અનિયમિતતા દાખવી રહી છે. દિલ્હી સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે રેપિડ રેલ કેસમાં આંશિક ચુકવણી ગયા શુક્રવારે જ કરવામાં આવી હતી.
21 નવેમ્બરની સુનાવણી દરમિયાન પ્રોજેક્ટ માટે ફંડ ન આપવા પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે દિલ્હી સરકારને એક સપ્તાહમાં 415 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો ફંડ નહીં આપવામાં આવે તો દિલ્હી સરકારના એડવર્ટાઈઝિંગ બજેટ પર પ્રતિબંધ લગાવીને ફંડિંગ કરવામાં આવશે. આ માટે કોર્ટે દિલ્હી સરકારને એક સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું હતું.