ટોપ ન્યૂઝશેર બજાર

Stock Market વિક્રમી ઊંચા શિખરેઃ સેન્સેક્સમાં 1,618 પોઈન્ટનો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ:
રિઝર્વ બેન્ક દ્વારા જીડીપીના ગ્રોથ પ્રોજેકશનમાં વધારા સાથે એનડીએની સરકાર ત્રીજી વખત સત્તાના માર્ગે વધુ એક ડગલું આગળ વધ્યો હોવાથી સેન્ટિમેન્ટમાં આવેલા સુધારા સાથે લેવાલીનો ટેકો વધતાં સેન્સેક્સ (Sensex) ૧,૬૧૮ પોઈન્ટ અથવા ૨.૧૬ ટકા વધીને ૭૬,૬૯૩.૩૬ પોઇન્ટની નવી વિક્રમી ઊંચી સપાટી પર સ્થિર થયો હતો.

એ જ રીતે, એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૪૬૮.૭૫ પોઈન્ટ અથવા ૨.૦૫ ટકા વધીને ૨૩,૨૯૦.૧૫ પોઇન્ટના નવા વિક્રમી શિખરે સ્થિર થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં માટે બે ટકાનો વધારો નોંધાવનાર ૨૦૨૪નું આ અત્યાર સુધીનું સૌથી મજબૂત સપ્તાહ હતું.

બજારનો અંડરટોન મક્ક્મ રહ્યો હતો. કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૨,૫૮૬ શેર વધ્યા, ૮૧૦ શેર ઘટ્યા અને ૮૦ શેર યથાવત રહ્યા.

આ પણ વાંચો: Stock Market Crash: રોકાણકારોના લાખો કરોડનું ધોવાણ, સેન્સેકસ 6000 તૂટ્યો

શેરબજારમાં સપ્તાહના અંતિમ સત્રમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે આગેકૂચ ચાલુ રહી હતી. પ્રારંભિક સત્રમાં સહેજ નરમાઇ બતાવ્યા બાદ બેન્ચમાર્ક ફરી ઊર્ધ્વ ગતિ બતાવી હતી. આરબીઆઈએ નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે જીડીપી વૃદ્ધિની આગાહીમાં સહેજ વધારો કરતાં સેન્સેક્સમાં ગણતરીની મિનિટોમાં ૧૦૦૦ પોઈન્ટ સુધીનો વધારો જોવા મળ્યો, જ્યારે નિફ્ટી ૨૩,૧૦૦ની સપાટી વટાવી ગયો હતો.

રિઝર્વ બેન્કે સતત આઠમી મુદત માટે ચાવીરૂપ વ્યાજદરો યથાવત રાખ્યા હતા, જોકે નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે જીડીપીની વૃદ્ધિ માટેનું અનુમાન અગાઉના સાત ટકાથી વધારીને ૭.૨ ટકા જાહેર કર્યું હતું.

જોકે, બજારનો એક વર્ગ આરબીઆઇની નાણા નીતિને એક નોન-ઇવેન્ટ ગણાવી રહ્યો છે. તેમના મતે કેન્દ્રમાં ગઠબંધન સરકારમાં સ્થિરતાની અપેક્ષા અને આરબીઆઈ દ્વારા ભારતના વિકાસ અનુમાનમાં ઉપરની તરફના સુધારાના, એમ બંનેને કારણે સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો હોવાથી નિફ્ટી અને સેન્સેક્સ બે ટકાથી વધુ સુધારો જોવા મળ્યો હતો.

સેન્સેક્સના તમામ ૩૦ શેર પોઝિટિવ જોનમાં બંધ થયા હતા અને તેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, ઇન્ફોસિસ અને ટાટા સ્ટીલ ટોપ ગેઇનર શેરોમાં સામેલ હતાં. એશિયાઇ બજારોમાં સિઓલ અને શાંઘાઇ પોઝિટિવ ઝોનમાં જ્યારે ટોકિયો અને હોંગકોંગ નેગેટીવ ઝોનમાં બંધ રહ્યાં હતાં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button