નવી દિલ્હી: હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર રાજ્યોમાં શુક્રવારે હિમવર્ષા અને વરસાદ થતા તાપમાનનો પારો ગગડીને માઈનસમાં પહોંચી ગયો હતો. ભૂસ્ખલનને કારણે કાશ્મીરના મુખ્ય માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી, જ્યારે હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા પછી, અટલ ટનલ, રોહતાંગ પાસ, શિકારી દેવી અને કમરૂનાગની આસપાસ પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન માઈનસ થઈ ગયું હતું. દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. આગામી દિવસોમાં દેશના અન્ય ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળે એવી શક્યતા છે.
કાશ્મીરના ઊંચાઈ પર આવેલા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી. ખરાબ હવામાનને કારણે કટરા-સાંજીછટ હેલિકોપ્ટર સેવા પ્રભાવિત થઇ હતી. રાજ્યમાં તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. ટ્રાફિક પોલીસે જ્યાં સુધી જમ્મુ-શ્રીનગર હાઈવે પુન શરુ ન થાય ત્યાં સુધી મુસાફરી ન કરવાની સલાહ આપી હતી. રાજોરી, પૂંચ, રિયાસી, ડોડા, કિશ્તવાડ, રામબન, કઠુઆના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી. વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. શ્રીનગરના હવામાન કેન્દ્ર જણાવ્યા અનુસાર હવે 14 નવેમ્બર સુધી હવામાન સ્વચ્છ રહેશે.
હિમાચલ પ્રદેશમાંમાં યલો એલર્ટ વચ્ચે હિમવર્ષા અને વરસાદને કારણે સોલંગનાલા અને માઢી પાસે જ પ્રવાસીઓ રોકી દેવામાં આવ્યા હતા. હવામાનમાં આવેલા પલટાને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં છ ડિગ્રીનો ઘટાડો થયો હતો. મંડી જિલ્લાના ચૌહરઘાટીની બારાગાંવ પંચાયતમાં વીજળી પડવાથી પાંચ પશુઓના મોત થયા હતા.
કુલ્લુ અને લાહૌલ અને સ્પિતિ જિલ્લાના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા પછી મહત્વપૂર્ણ લેહ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. અટલ ટનલ, સિસુ, કોક્સર અને રોહતાંગ પાસ પાસે હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ હતી.
ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં હવામાનમાં અચાનક પલટો આવતા તાપમાનનો પારો 1 ડિગ્રી સુધી ગગડી ગયો હતો. જેના કારણે ધામમાં કડકડતી ઠંડી પડી રહી છે. યાત્રિકોએ કડકડતી ઠંડી વચ્ચે બદ્રીનાથના દર્શન કર્યા હતા.