ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

શિવસેના (યુબીટી)એ ફડણવીસની પ્રશંસા કરી

ગઢચિરોલી જિલ્લાના વિકાસ કામોને લઈને દેવા ભાઉ તરીકે ઉલ્લેખ કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
2019માં અવિભાજિત શિવસેના અને ભાજપ વચ્ચેના મતભેદ પછીની સૌથી મોટી દુર્લભ ઘટનામાં શિવસેના (યુબીટી)એ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરી હતી. શિવસેનાના મુખપત્ર સામનામાં ફડણવીસ માટે સન્માનજનક શબ્દ દેવા ભાઉનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શિવસેના યુબીટીના મુખપત્ર ‘સામના’માં શુક્રવારે નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લાને સ્ટીલ સિટીમાં ફેરવવાના પ્રયાસો બદલ ફડણવીસની પ્રશંસા કરવામાં આવી હતી. પાર્ટીએ તંત્રીલેખમાં ફડણવીસને ‘દેવા ભાઉ’ તરીકે ઓળખાવ્યા હતા અને કહ્યું કે તેમણે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વિદર્ભમાં મહારાષ્ટ્રના સૌથી દૂરના જિલ્લા ગઢચિરોલીની મુલાકાત લીધી અને વિકાસનો એક અધ્યાય શરૂ કર્યો છે.

મહારાષ્ટ્રની પૂર્વ સરહદ પર સ્થિત ગઢચિરોલીને ઘણીવાર રાજ્યનો છેલ્લો જિલ્લો કહેવામાં આવે છે.
બે દિવસ પહેલા ગઢચિરોલીની મુલાકાત દરમિયાન, મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મહારાષ્ટ્ર ટૂંક સમયમાં નક્સલી ભયથી મુક્ત થઈ જશે, કારણ કે માઓવાદીઓ દ્વારા હથિયારો છોડી દેવાની સંખ્યામાં વધારો થયો છે અને નવી ભરતીઓને આકર્ષવામાં નક્સલવાદીઓ નિષ્ફળ રહ્યા છે.

આપણ વાંચો: બીએમસી ચૂંટણીમાં શિવસેના (યુબીટી) એમવીએથી અલગ: રાઉત

તેમણે જિલ્લામાં વાંગેતુરી-ગર્દેવાડા-ગર્દેવાડા-આહેરી રૂટ પર મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી)ના 32 કિલોમીટર લાંબા ગટ્ટા-ગર્દેવાડા-વાંગેતુરી રોડ અને બસ સેવાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.

તેમણે ‘લોઈડ્સ મેટલ્સ એન્ડ એનર્જી લિમિટેડ’ના સ્ટીલ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
સેના (યુબીટી)એ તેના તંત્રીલેખમાં કહ્યું હતું કે એવું લાગે છે કે ફડણવીસ જિલ્લામાં કંઈક નવું કરશે અને ત્યાંના આદિવાસીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે જિલ્લામાં વિકાસનો નવો અધ્યાય શરૂ કરવાના વચનને પૂર્ણ કરવા માટે ફડણવીસે રોડમેપને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવો પડશે.

આપણ વાંચો: ખાતાની ફાળવણી થઈ ગઈ! શિંદેએ રાત્રે ફડણવીસને લિસ્ટ મોકલ્યું, પણ ગૃહ ભાજપને જ, શિવસેનાનું મહત્વનું ખાતું એનસીપીને?

શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે નાગપુરમાં મુખ્ય પ્રધાનને મળ્યાના લગભગ બે અઠવાડિયા પછી આ દુર્લભ પ્રશંસા કરવામાં આવી છે. 2019માં અવિભાજિત શિવસેના અને ભાજપ વચ્ચેનું જોડાણ તૂટી ગયા પછી બંને નેતાઓ વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા હતા.

જો મુખ્ય પ્રધાને જે કહ્યું હતું તે સાચું થાય, તો તે મહારાષ્ટ્ર માટે સકારાત્મક વિકાસ છે, એમ તંત્રીલેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સામનામાં કહેવામાં આવ્યું છે કે ‘દેવા ભાઈ’ (ફડણવીસ)એ બતાવવાની જરૂર છે કે ગઢચિરોલીના વિકાસ માટેના પગલાં સામાન્ય લોકો અને ગરીબ આદિવાસીઓના ભલા માટે છે, કોઈ ખાણ ઉદ્યોગપતિ માટે નહીં.

‘બીડમાં બંદૂકોનું રાજ છે. છતાં, જો ગઢચિરોલીમાં બંધારણનું શાસન હોય, તો મુખ્ય પ્રધાન ફડણવીસ પ્રશંસાને પાત્ર છે,’ એમ તેમાં જણાવવામાં આવ્યું છે.

સેના યુબીટી દ્વારા કરવામાં આવેલા દુર્લભ વખાણ વિશે પૂછવામાં આવતા ફડણવીસે કહ્યું, ‘તે સારું છે. આભાર.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button