ટોપ ન્યૂઝનેશનલ

Rajasthan Assembly Election: 199 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ, ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે

જયપુર: આજે 25 નવેમ્બર શનિવારના રોજ રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. વોટિંગ શરુ થતાં પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું- હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ અવસરે રાજ્યના તમામ યુવા મિત્રોને મારી શુભેચ્છાઓ કે જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે.

રાજસ્થાનના વર્તમાન મુખ્યપ્રધાન અશોક ગેહલોતે વોટિંગ પહેલા કહ્યું- વડાપ્રધાન મોદી અમારી સરકારને ન પાડી શક્યા. એક સમય હતો જ્યારે વડાપ્રધાન રાજ્યમાં માત્ર 2-3 રેલીઓ કરતા હતા અને તેમનો સંદેશ લોકો સુધી પહોંચતો હતો. પરંતુ હવે વડાપ્રધાને 30 સભાઓ કરવી પડશે. તેમણે તેમના ભાષણો દરમિયાન મારા પર પ્રહારો કર્યો કારણ કે તેમને એ વાતનું દુ:ખ છે કે તેઓ (ભાજપ) રાજસ્થાનમાં અમારી સરકાર ન પાડી શક્યા.

રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા વસુંધરા રાજેએ મતદાન કર્યું હતું. તેઓ ઝાલાવાડ જિલ્લામાંથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે, મતદાન કરતા પહેલા તેઓ હનુમાન મંદિરમાં ગયા હતા અને પૂજા કરી હતી. મતદાન બાદ વસુંધરા રાજેએ કહ્યું, “હું તમામ મતદારોને, ખાસ કરીને નવા મતદારોને જોરશોરથી મતદાન કરવા અને કમળ ખીલવા વિનંતી કરું છું.”

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ નેતા સચિન પાયલટે દરેકને વોટ કરવાની અપીલ કરી હતી. દરમિયાન, તેમની વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનો પર તેમણે કહ્યું કે, કોણે શું કહ્યું તે બાજુ પર રાખો, ચાલો આપણે બધા સાથે મળીને સરકાર બનાવીએ. અમે અહીં રિવાજો બદલવા આવ્યા છીએ. મને વિશ્વાસ છે કે જનતા છેલ્લા 5 વર્ષમાં અમારા કામને જોશે અને અમને વિજયી બનાવશે.

કેન્દ્રીય ગૃહ ગૃહ પ્રધાન અમિત શાહે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરવા લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર મુક્ત મજબૂત સરકાર જ વીરભૂમિ રાજસ્થાનના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકે છે. હું રાજસ્થાનના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરું છું. તમારો એક મત યુવાનોનું ભવિષ્ય, મહિલાઓની સુરક્ષા અને રાજ્યમાં તુષ્ટિકરણ મુક્ત શાસન સુનિશ્ચિત કરશે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના મતદાન માટે કુલ 51,890 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. આજે ચૂંટણીમાં 5 કરોડ 26 લાખ 90 હજાર 146 મતદારો 1,862 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવાના છે. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કુલ 26,393 મતદાન મથકો પરથી લાઈવ વેબકાસ્ટિંગ થશે. આ મતદાન કેન્દ્રો પર જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાંથી નજર રાખવામાં આવશે. મતદાન માટે 65,277 બેલેટ યુનિટ, 62,372 કંટ્રોલ યુનિટ અને 67,580 VVPAT મશીનો (રિઝર્વ સહિત)નો ઉપયોગ કરવામાં આવશે. તે જ સમયે, 6,287 ‘માઈક્રો ઓબ્ઝર્વર્સ’ અને 6247 સેક્ટર ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે જેથી વિધાનસભા ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે થાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button