
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે.
ચૂંટણી પંચે કોંગ્રેસના નેતાને 25મી નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. નિર્ધારિત સમયગાળામાં જવાબ આપવાનો ચૂંટણી પંચે આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે કોંગ્રેસના નેતાના બે નિવેદનો મુદ્દે નોટિસ જારી કરી છે, જેમાં પીએમ મોદીને પનૌતી અને ખિસ્સા કાતરું નિવેદનનો સમાવેશ થાય છે.
રાહુલ ગાંધીએ મંગળવારે રાજસ્થાનની એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે પીએમ મતલબ પનૌતી મોદી. ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે હારનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ એ શબ્દનો ઉલ્લેખ કરીને પીએમ મોદીને ટાર્ગેટ કર્યા હતા.
ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર પછી સોશિયલ મીડિયા પર પણ પનૌતી વર્ડ ટ્રેન્ડમાં હતો. મેચ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. મેચ હારી ગયા પછી પણ મોદી ડ્રેસિંગ રુમમાં જઈને ખેલાડીઓને આશ્વાસન આપ્યું હતું.
આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાડવામાં આવી હતી, જેમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારીને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આ હાર પછી કરોડો દેશવાસીઓ નિરાશ થયા હતા, ત્યારબાદ હાર માટે અનેક લોકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.