‘રાહુલ ગાંધી યોદ્ધા છે, યોગ્ય રીતે જવાબ આપશે.’ સુપ્રિયા સુળે રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પનોતી કહેવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ચૂંટણી પંચે નોટિસ જાહેર કરી છે. ત્યાર બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને પાર્ટીના કાર્યકારી અશ્યક્ષ સુપ્રિયા સુળેએ રાહુલ ગાંધીને ‘યોદ્ધા’ ગણાવ્યા હતા. ગુરુવારે તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તેમની ટિપ્પણીઓ બાબતે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસનો રાહુલ ગાંધી ઈમાનદારી અને સન્માનપૂર્વક જવાબ આપશે.
રાહુલ ગાંધીએ એક ચૂંટણી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘પનોતી’, ‘ખીસાકાતરું’ અને મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરનાર ગણાવ્યા હતા. આ ટિપ્પણી બદલ ચૂંટણી પંચે રાહુલ ગાંધી સામે કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી. પંચે તેમને શનિવાર સાંજ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. તેના પર સુપ્રિયા સુલેએ કહ્યું છે કે રાહુલ ગાંધી એક બહાદુર નેતા છે.
તેમણે એમ પણ કહ્યું છે કે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં 3 ડિસેમ્બરનો દિવસ ‘કોંગ્રેસ અને ભારત માટે સારો દિવસ’ બનવાનો છે. બારામતીથી લોકસભાના સભ્ય સુપ્રિયા સુળેએ કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની નોટિસ મેળવનારા 95 ટકા લોકો વિપક્ષના છે.
સુળેએ કહ્યું, રાહુલ એક યોદ્ધા છે અને તે લડશે. મને વિશ્વાસ છે કે તે બહાદુરીથી લડશે અને કોઈથી ડરશે નહીં. તેઓ પ્રામાણિકપણે અને આદરપૂર્વક જવાબ આપશે.
ભાજપ પર નિશાન સાધતા સુપ્રિયા સુળેએ કહ્યું કે અમારી પાસે ઘણા ઉદાહરણો છે જેમાં ભાજપે ગાંધી પરિવારની વાત કરી છે. હવે રાહુલ જો કંઈક કહે તો ખરાબ ન લાગવું જોઈએ. ભાજપે તેમના પરદાદા વિશે પણ ટિપ્પણી કરી હતી. સુળેએ કહ્યું કે રાજસ્થાનના મતદારોએ નક્કી કરવાનું છે કે તેઓ આગામી પાંચ વર્ષ માટે કઈ પાર્ટીની સરકાર ઈચ્છે છે.