નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદ, ઉત્તર પ્રદેશમાં થયો હતો અને તેઓ કોંગ્રેસના અગ્રણી નેતા અને મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. જવાહરલાલ નેહરુ ભારતના વડાપ્રધાન તરીકે સૌથી લાંબો સમય સેવા આપવાનો રેકોર્ડ ધરાવે છે. 14મી નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જવાહરલાલ નેહરુને બાળકો ખૂબ પસંદ હતા અને બાળકો તેમને પ્રેમથી “ચાચા નેહરુ” કહીને બોલાવતા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું, આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.
વડા પ્રધાન મોદી ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ પણ ચાચા નેહરુને યાદ કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે પંડિત જવાહર લાલ નેહરુ સ્વતંત્રતા, પ્રગતિ, ન્યાયનો એક વિચાર છે. આજે ભારત માતાને તેમના ‘હિંદના જવાહર’ના મૂલ્યોની જરૂર છે. એક વિચારધારાની જેમ, દરેક હૃદયમાં…
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ પણ શાંતિવન પહોંચ્યા અને પંડિત જવાહરલાલ નેહરુને પુષ્પાંજલિ અર્પણ કરી.
ભારતમાં 1964 પહેલા 20 નવેમ્બરે બાળ દિવસ મનાવવામાં આવતો હતો, પરંતુ જવાહરલાલ નેહરુના નિધન બાદ તેમના જન્મદિવસ એટલે કે 14 નવેમ્બરને ‘બાળ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.