
ચૂરૂ: રાજસ્થાનના ચૂરૂ જિલ્લાના રતનગઢ વિસ્તારમાં આવેલા ભાનુદા ગામમાં આજે સવારે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્લેન ક્રેશ થતાની સાથે ખેતરોમાં આગની જ્વાળાઓ અને ધુમાડો ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી, જ્યારે આ દુર્ઘટનાની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે આ ઘટના ભાનુદા ગામ નજીકના ખેતરમાં બની હતી, જ્યાં એક ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું. વિમાન ક્રેશ થતા ખેતરોમાં આગ લાગી હતી, આ દુર્ઘટનામાં બંને પાઈલટના મૃત્યુ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જ્યારે ઘટનાસ્થળે વિમાનના કાટમાળમાંથી બંને પાઇલટના મૃતદેહ મળી આવ્યાં હતાં. ચૂરૂના કલેક્ટર અભિષેક સુરાના અને સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આપણ વાંચો: Mizoram: મિઝોરમમાં મ્યાનમારનું સૈન્યનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, છ ઘાયલ
આ દુર્ઘટના બનવા પાછળના કારણો હજુ સ્પષ્ટ થયા નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ, આ પ્લેન વાયુસેનાનું જગુઆર ફાઈટર જેટ હોવાની શક્યતા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે વિમાનના ક્રેશ થતાં જ આકાશમાંથી વિસ્ફોટ જેવો અવાજ આવ્યો, અને તે પછી આગની લપટો દેખાઈ. વિમાનનો કાટમાળ વિશાળ વિસ્તારમાં ફેલાયેલો હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી.
વહીવટી તંત્ર અને વાયુસેનાના અધિકારીઓ હવે આ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. ઘટનાસ્થળે ફોરેન્સિક ટીમ પણ મોકલવામાં આવી છે, જેથી ક્રેશના ચોક્કસ કારણોની જાણકારી મળી શકે. વહીવટે લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા અપીલ કરી છે. દુર્ઘટનાની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ વર્ષે ભારતીય વાયુસેનાનું ત્રીજી જગુઆર ફાઈટર વિમાન ક્રેશ થયું છે. આ અગાઉ સાતમી માર્ચના વાયુસેનાનું વિમાન હરિયાણાના અંબાલામાં એરબેસમાં ઉડાન ભર્યા પૂર્વે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. કહેવાય છે કે તાલીમ વખતે જગુઆર ક્રેશ થયું હતું, જ્યારે બીજી એપ્રિલના ગુજરાતના જામનગરમાં ફાયટર પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન ક્રેશમાં ફ્લાઈટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવનું મોત થયું હતું.