નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક કેપ્ટન સહિત સેનાના ચાર જવાનો આજે શહીદ થયા છે. એન્કાઉન્ટરમાં શહીદ થયેલા કેપ્ટન બ્રિજેશ થાપાના (captain brijesh thapa) પિતા ભુવનેશ થાપા કે જે પોતે સેનાના નિવૃત્ત કર્નલ છે. તેમણે જણાવ્યું હતું કે હાલ સરકાર આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. જ્યારે મને એવું કહેવાયમાં આવ્યું કે તમારો દીકરો હવે નથી રહ્યો, ત્યારે મને એ વાત પર વિશ્વાસ જ નહોતો થયો.
ભુવનેશ થાપાએ શહિદ બ્રિજેશ થાપાની વાત કરતાં જણાવ્યું હતું કે તે નાનપણથી જ સેનામાં જોડાવા માંગતો હતો અને સેનાનો યુનિફોર્મ પહેરીને ફરતો હતો. એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ જ તેને સેનાની પરીક્ષા પાસ કરી હતી. મને ગર્વ છે કે મારા પુત્રએ દેશ અને તેની સુરક્ષા માટે કંઈક કર્યું છે. પરંતુ દુ:ખ એ વાતનું છે કે અમે હવે બીજી વાર તેને નહિ મળી શકીએ, બાકી મને ખુશી છે કે તેણે પોતાના દેશ માટે પોતાના જીવની કુરબાની આપી.
આપણ વાંચો: Jammu Kashmir ના ડોડામાં આતંકીઓ સાથે અથડામણમાં ચાર જવાન શહીદ
કેપ્ટન થાપાની માતા નલીમા થાપાએ જણાવ્યું હતું કે તેમના દીકરાના શહીદ થયાના સમાચાર રાત્રે 11 વાગ્યે મળ્યા હતા. ભીની થયેલી આંખે માતાએ કહ્યું હતું કે તે હમેંશા સેનામાં જવાની વાત કરતો હતો. અમે એને સેનાના કઠિન જીવન વિષેની પણ વાત કરતાં હતા. મને મારા દીકરા પર ખૂબ જ ગર્વ છે કે જેણે દેશ માટે પોતાની કુરબાની આપી દીધી. સરકાર કાર્યવાહી કરશે. પરંતુ દુર્ભાગ્યથી અમે અમારો દીકરો ખોઈ બેસ્યા.
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સાથે થયેલ અથડામણમાં કેપ્ટન બ્રિજેશ થાપા સહિત સેનાના ચાર જવાનો શહીદ થયા હતા. નેશનલ રાઇફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ સોમવારે મોડી સાંજે દેસા જંગલ વિસ્તારના ધારી ગોટે ઉરબાગીમાં સંયુક્ત ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં સેનાના ચાર જવાનો શહિદ થયા હતા.