આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની સેનાએ આઠ દિવસમાં બીજી વાર યુદ્ધવિરામ(સીઝફાયર)નું ઉલ્લંઘન કર્યું હતું. ગઈ કાલે ગુરુવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરના અરનિયા સેક્ટરની આઠ ચોકીઓ પર પાકિસ્તાન સેનાએ અકારણ ગોળીબાર કર્યો હતો. જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના બે જવાનો અને ચાર નાગરિકો ઘાયલ થયા હતા. બીએસએફના જવાનોએ પણ વળતો જવાબ આપ્યો હતો.
પાકિસ્તાની સેનાએ ગુરુવારે મોડી રાત્રે રહેણાંક વિસ્તારોમાં પણ ગોળીબાર કર્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાની સેનાએ છોડેલા 25થી વધુ મોર્ટાર શેલ અરનિયા, સુચેતગઢ, સાઈ, જબ્બોવાલ અને ટ્રેવાના રહેણાંક વિસ્તારોમાં પડ્યા હતા. બીએસએફએ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. પોલીસે લોકોને તેમના ઘરોમાં રહેવા અને લાઈટ બંધ રાખવા જણાવ્યું હતું. પોલીસે બોર્ડર તરફ જતા તમામ રસ્તાઓ પર નાકાબંધી કરીને વાહનોની તલાશી શરૂ કરી દીધી છે.
પાકિસ્તાન સેનાના ગોળીબાર દરમિયાન બિક્રમ પોસ્ટ પર તૈનાત એક જવાનને પગ અને હાથમાં શેલ સ્પ્લિન્ટર્સ વાગી ગયા હતા અને જબ્બોવાલ પોસ્ટ પર એક જવાનને પગમાં ગોળી વાગી હતી. બંનેને જમ્મુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
બીએફએફના એક વરિષ્ઠ અધિકારીએ સીઝફાયર ઉલ્લંઘન અંગે જાણકારી આપી હતી. અધિકારીએ કહ્યું કે ભારતીય સૈનિકો પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ઉશ્કેરણી વગરના ગોળીબારનો વાજબી જવાબ આપ્યો હતો. એક અહેવાલ મુજબ ભારતીય સેનાના વળતા જવાબમાં પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચ્યું હતું. ભારતીય ગોળીબારમાં તેમના પાંચથી છ સાત સૈનિકો માર્યા ગયા હતા.
આ પહેલા ગત 18 ઓક્ટોબરના રોજ પાકિસ્તાની સેનાના ગોળીબારમાં બે જવાનો ઘાયલ થયા હતા.
Taboola Feed