ઓપરેશન જિંદગીઃ મજૂરોએ બહાર આવવા હજી થોડી વધુ રાહ જોવી પડશે, આ કારણે રોકી દેવાયું રેસ્ક્યુ ઓપરેશન
ઉત્તરાખંડઃ ઉત્તરકાશીના સિલક્યારા ટનલમાં 13-13 દિવસથી ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને હવે આ રેસ્ક્યુ ઓપરેશનને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર મજૂરોને કાઢવા માટે ચલાવવામાં આવી રહેલું રેસ્ક્યુ ઓપરેશન રોકી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પીએમઓના ભૂતપૂર્વ સલાહકારે આજે સાંજે છ વાગ્યા સુધી મજૂરોને બહાર કાઢવામાં આવશે એવી શક્યતા વ્યક્ત કરી હતી, પરંતુ ડ્રિલિંગનું કામ રોકી દેવામાં આવ્યું હોવાને કારણે ફરી એક વખત ઓપરેશન જિંદગી વિલંબમાં મૂકાઈ ગયું છે.
સાધનો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે મેન્યુઅલી જ કાટમાળ હટાવવામાં આવશે. ઓગર મશીનની સામે લોખંડ જેવી કોઈ ધાતુની વસ્તુ સામે આવી જતાં ફરી એક વખત મશીનશી ડ્રિલિંગરોકી દેવામાં આવ્યું છે. આમાં હજી થોડો વધુ સમય લાગી શકે છે અને આજે રાતે પણ રેસ્ક્યુ ઓપરેશન નહીં થઈ શકે.
સિલક્યારા ટનલમાં ચાલી રહેલાં રેસ્ક્યુ ઓપરેશનમાં હર્ડલ આવવાને કારણે ફરી એક વખત ઓગર મશીન અટકી પડ્યું છે અને મશીનને અનઈન્સ્ટોલ કરવામાં આવી રહ્યું છે. મેન્યુઅલ પાઈપની અંદર જઈને પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. પરિક્ષણ બાદ જ ફરી ઓપરેશન શરૂ કરવામાં આવશે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરો એક વખત બહાર આવી જાય ત્યારે જરૂર પડશે તો તેમને ઋષિકેષમાં આવેલી એમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. અહીંના ડોક્ટરોની ટીમ અને એમ્સ હોસ્પિટલમાં મજૂરોની સારવાર કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ડોક્ટરોની એક ટીમ અહીં સ્ટેન્ડબાય મોડ પર તૈયાર રાખવામાં આવી છે.