જીવનના અમૃતકાળ પ્રવેશની પૂર્વ સંધ્યાએ મોદીએ કહ્યું : દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને ખપી જઈશ,
સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળ્યા પછી પહેલી વાર ગુજરાતના ત્રિ-દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂ.8000 કરોડથી વધારેનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
જનસભાને સંબોધતા પહેલાં વડાપ્રધાન લોકોની વચ્ચેથી પસાર થતાં જનમેદનીમાં હર્ષોલ્લાસ છવાયો હતો. વડાપ્રધાને હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પણ વાંચો: અમૃતકાળમાં મોદી: શું અડવાણી પેઠે ન. મો. પણ હવે માર્ગદર્શક મંડળમાં ?
‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ સમારંભમાં વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, આજે દેશમાં ચારે તરફ ઉત્સવની ધૂમ છે. ઉત્સવના આ દિવસોમાં ભારતમાં વિકાસનું પર્વ પણ નિરંતર ઊજવાઈ રહ્યું છે. આજે ગુજરાતમાં રૂ. 8000 કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું છે, જેમાં રોડ, રેલ, મેટ્રો જેવા અનેક પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આજે ગુજરાતના હજારો પરિવારોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. આ પરિવારો નવરાત્રિ, દશેરા, ધનતેરસ, દિવાળી સહિતના બધા તહેવાર એટલા જ ઉમંગ અને ઉલ્લાસથી પોતાના નવા ઘરમાં ઊજવશે, એનો આનંદ છે.
ગુજરાતમાં આવેલી અતિવૃષ્ટિની વાત કરતા વડાપ્રધાનએ કહ્યું કે, ઉત્સવના આ માહોલમાં પીડા પણ છે, કેમ કે ગુજરાતના અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ જોવા મળી છે. ગુજરાતમાં એક-બે જગ્યાએ નહીં પણ ગુજરાતના દરેક ખૂણામાં વરસાદ પડ્યો છે અને અનેકગણો વધારે વરસાદ પડ્યો છે. લોકોએ અનેક સ્વજનો ગુમાવ્યા છે અને જાન- માલનું પણ નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હર હંમેશની જેમ તમામ પ્રકારની મદદ આપી રહી છે.
આ પ્રસંગે વડાપ્રધાન શ્રી મોદીએ કહ્યું કે, ત્રીજીવાર વડાપ્રધાનના શપથ લીધા બાદ પ્રથમવાર ગુજરાત આવ્યો છું. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે જીવનની દરેક શીખ મને આપી છે અને ગુજરાતનાં દરેક નાગરિકોએ હંમેશાં મારા પર પ્રેમ વરસાવ્યો છે. ગુજરાતમાં આવીને હર હંમેશની જેમ નવી ઊર્જા મળી છે, અને મારા જોમ તથા જુસ્સો પણ વધ્યો છે.
આ પણ વાંચો: વડા પ્રધાન મોદી આગવા વિઝનના પરિચારક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…
તેમણે વધુમાં ઉમેર્યું કે, 60 વર્ષ પછી દેશની જનતાએ નવો ઇતિહાસ રચ્યો છે. આ સરકારને સતત ત્રીજીવાર દેશની સેવા કરવાનો અવસર આપ્યો છે. આ સરકારે દેશવાસીઓને ગેરંટી આપી હતી કે, ત્રીજી ટર્મના 100 દિવસમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવ્યા છે. છેલ્લા ૧૦૦ દિવસમાં કેન્દ્ર સરકારે રાત-દિવસ જોયા વગર દેશના નાગરિકોની સેવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. છેલ્લા 100 દિવસમાં રૂ. 15 લાખ કરોડથી વધુની યોજનાઓ પર કામ શરૂ થયું છે.
વધુમાં વાત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજે નવા સંકલ્પ સાથે કામ કરતા નવા ભારતની વિદેશોમાં વાહવાહી થઈ રહી છે. આજે દુનિયા ભારત સાથે જોડાવા ઉત્સુક છે. દુનિયા ભારત અને ભારતીયોનું ખુલ્લા મનથી સ્વાગત કરે છે. ઘણી સમસ્યાઓના સમાધાન માટે આજે ભારતને યાદ કરવામાં આવે છે. ભારત તેજ ગતિથી વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. કલ્ચરથી લઈને એગ્રીકલ્ચર સુધી આજે ભારત દુનિયામાં ધૂમ મચાવી રહ્યું છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
કેટલાક નકારાત્મક લોકો દેશની એકતા પર પ્રહાર કરે છે, તુષ્ટિકરણમાં રચ્યાપચ્યા રહેનારા લોકો સત્તાલાલસા માટે કાશ્મીરમાં કલમ 370 પાછી લાવવા મરણિયા થયા છે, આવા લોકોને જનતા મક્કમ જવાબ આપશે.
વધુમાં વાત કરતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, હું સરદારની ભૂમિમાંથી પેદા થયો છું, દરેક મજાક-અપમાન સહન કરતાં કરતાં100 દિવસ મેં દેશહિત માટે અને જનકલ્યાણલક્ષી નીતિ-નિર્ણયો માટે વિતાવ્યા છે. ભારતની શાન વધારવાના અને દરેક ભારતીયને સન્માનપૂર્વકનું જીવન આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર સતત નવી ઉર્જા અને નવી ચેતના સાથે કાર્યરત રહેશે. દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ. 140 કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાને કહ્યું કે, ચૂંટણી દરમિયાન ત્રણ કરોડ નવા ઘરો બનાવવાની ગેરેંટી આપી હતી, તેના પર કામ થઈ રહ્યું છે. આજે ગુજરાતમાં અનેક પરિવારોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. ગામ અને શહેરની સુવિધાઓના વિકાસ પર કામ થઈ રહ્યું છે. ફેક્ટરીમાં કામ કરનાર લોકો માટે વિશેષ આવાસ તૈયાર કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, વર્કિંગ વિમેન માટે નવી હોસ્ટેલ પણ તૈયાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વડા પ્રધાન મોદીએ અમદાવાદ મેટ્રોના બીજા ફેઝનું ઉદ્ઘાટન કર્યું, વડા પ્રધાને મેટ્રોમાં મુસાફરી કરી
આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, થોડાક દિવસો પહેલા જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સ્વાસ્થ્યને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ૭૦ કે તેથી વધુની ઉંમરના તમામ લોકોને પાંચ લાખ સુધીની નિશુલ્ક સારવાર આપવાની ગેરંટી પૂરી કરવામાં આવી છે. છેલ્લા ૧૦૦ દિવસમાં યુવાનો માટે નોકરી, સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. યુવાનો માટે રૂ. 2 લાખ કરોડનું પીએમ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેનો ફાયદો ચાર કરોડથી વધુ યુવાનોને થવાનો છે.
વધુમાં કહ્યું કે, આજે મુદ્રા લોન સ્વરોજગાર ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી રહ્યું છે. પહેલા 10 લાખ સુધીની લોન આપવામાં આવતી હતી, જેને વધારીને હવે 20 લાખ સુધીની કરવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, દેશની માતા અને બહેનોને કેન્દ્ર સરકારે ગેરંટી આપી હતી કે, દેશમાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવામાં આવશે. જેમાં છેલ્લા એક વર્ષમાં 1 કરોડ લખપતિ દીદી બની ગઈ છે. એટલુ જ નહીં ત્રીજી ટર્મમાં માત્ર 100 દિવસમાં જ 11 લાખ નવી લખપતિ દીદી બનાવવામાં આવી છે.
દેશના ખેડૂતોના વિકાસ માટે સરકાર સતત પ્રયાસરત છે એમ જણાવતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તેલીબિયાં પકવનારા ખેડૂતોને એમએસપીથી પણ વધુ ભાવ આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ, સરકારે વિદેશી તેલની આયાત પર ડ્યુટી વધારી છે. સોયાબીન અને સૂર્યમુખીની ખેતી કરતા ખેડૂતોને તેનો લાભ મળશે.
ખાદ્યતેલ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવા માટે પણ ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે. બાસમતી ચોખા અને ડુંગળીની નિકાસ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો છે, જેથી વિદેશમાં ભારતીય ચોખા અને ડુંગળીની માંગમાં વધારો થશે, જેનો સીધો લાભ ખેડૂતોને થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
ત્રીજી ટર્મમાં પાછલા ૧૦૦ દિવસમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયો અને યોજનાઓ વિશે વધુમાં વાત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, રેલ, રોડ, પોર્ટ, એરપોર્ટ, મેટ્રો સાથે જોડાયેલા ડઝનો પ્રોજેક્ટને પાછલા 100 દિવસમાં સ્વીકૃતિ આપવામાં આવી છે. આજના આ કાર્યક્રમમાં કનેક્ટિવિટી સાથે સંકળાયેલા ઘણા પ્રોજેક્ટનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: આજની આ ઇવેન્ટ એક છૂટીછવાઈ ઇવેન્ટ નથી પણ એક મોટા મિશનનો હિસ્સો છેઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાને નવી શુભારંભ કરવામાં આવેલી મેટ્રોમાં ગિફ્ટ સિટી સુધી કરેલી તેમની સફરનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, અમદાવાદ સહિત દેશના અનેક શહેરોમાં મેટ્રોના વિસ્તરણનું કાર્ય ઝડપભેર આગળ વધી રહ્યું છે. ગુજરાત માટે આજનો દિવસ વિશેષ એટલા માટે પણ છે, કારણકે આજે અમદાવાદ અને ભૂજ વચ્ચે ‘નમો ભારત રેપિડ રેલ’ની શરૂઆત થઈ રહી છે. રોજિંદુ આવાગમન કરનારા મધ્યમવર્ગીય નાગરિકોને આનો મોટો લાભ મળશે તેમ જણાવીને તેમણે કહ્યું કે, આવનારા સમયમાં દેશનાં અન્ય શહેરો પણ નમો ભારત રેપીડ રેલથી કનેક્ટ થશે.
પાછલા100 દિવસમાં દેશમાં વંદે ભારત ટ્રેનોના વિકાસ વિશે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે, દેશમાં વંદે ભારત ટ્રેનના નેટવર્કને ઝડપથી વિકસાવવામાં પાછલા 100 દિવસમાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. દેશમાં ૧૫થી વધુ રૂટ ઉપર નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે. ગત 15 સપ્તાહમાં દરેક સપ્તાહમાં એક વંદે ભારત ટ્રેન દેશમાં શરૂ કરવામાં આવી છે. 125થી વધુ વંદે ભારત ટ્રેન દેશમાં હજારો લોકોને બહેતર સફરનો અનુભવ કરાવશે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: વડા પ્રધાન મોદી વાવોલ ગામ પહોંચ્યા, સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓને મળ્યા
અત્યારે ભારતનો ‘ગોલ્ડન પિરિયડ’ એટલે કે અમૃતકાળ ચાલી રહ્યો છે એમ જણાવીને વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, આવનારા 25 વર્ષમાં દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ સાકાર કરવામાં ગુજરાતની મોટી ભૂમિકા રહેવાની છે. ગુજરાત ભારતના સૌથી વધુ વેલ કનેક્ટેડ રાજ્યોમાંનું એક છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ સેકટરનું હબ બનવા જઈ રહ્યું છે. “જે વસ્તુ એક્સપોર્ટ ક્વોલિટીની નથી, તેની ક્વોલિટી ખરાબ હોય” – આ વિચારધારા આપણે બદલવાની છે. બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટસ માટે ગુજરાત ભારત અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.
એ દિવસો પણ દૂર નથી જ્યારે ગુજરાત પહેલું ‘મેડ ઇન ઇન્ડિયા’ એરક્રાફ્ટ દેશને આપશે એમ જણાવીને તેમણે કહ્યું હતું કે, સેમિકન્ડક્ટર મિશનમાં પણ ગુજરાત અભૂતપૂર્વ લીડ લઈ રહ્યું છે. ગુજરાતમાં આજે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડતી યુનિવર્સિટીઝ ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ, ફોરેન્સિક સાયન્સ, વેલનેસ સહિતના દરેક આધુનિક વિષય આ યુનિવર્સિટીઓમાં ભણી શકાય છે. વિદેશી યુનિવર્સિટીઓ પણ ગુજરાતમાં પોતાના કેમ્પસ ખોલી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.