વડા પ્રધાન મોદી આગવા વિઝનના પરિચારક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં લીડિંગ સ્ટેટ બન્યું છે.
વડાપ્રધાનએ ગ્રીન ક્લીન એનર્જી – હરિત ઊર્જા માટે જે નિર્ધાર કર્યો છે તેને સાકાર કરવામાં ગુજરાત રીન્યુએબલ એનર્જી પોલીસી તથા ગ્રીન હાઈડ્રોજન પોલીસી સાથે ગ્રીન ફ્યુચર માટે પ્રતિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે વડાપ્રધાન એવા વિઝનરી નેતા છે જે હંમેશા સમય કરતાં પહેલાંનું વિચારે છે.આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં દેશના પહેલા ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ચારણકા સોલાર પાર્કની શરૂઆત નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનના પરિચાયક છે.
મુખ્યમંત્રી પટેલે કહ્યું કે રાજ્યમાં ઇન્સ્ટોલ્ડ એનર્જી કેપેસિટીમાં રિન્યુએબલ એનર્જીનું યોગદાન 54% છે અને સોલાર રૂફટોપમાં ગુજરાત અગ્રેસર છે.
રાજ્યના 1600 કિલોમીટર લાંબા સમુદ્રી તટ પર 32 થી 35 ગીગાવોટ ઓફશોર વિન્ડ એનર્જી ઉત્પાદનની સંભાવનાઓનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિભિન્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક સુવિધાઓ તથા બિઝનેસ ફ્રેન્ડલી પોલીસીઝ સાથે ગુજરાત એનર્જી સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રિફર્ડ ડેસ્ટિનેશન બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે વડાપ્રધાનનો 2070 સુધીમાં નેટ ઝીરો અને 2030 સુધીમાં100 ગીગાવોટની લક્ષ્ય પૂર્તિનો સંકલ્પ સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે.
તેમણે દેશની આઝાદીના શતાબ્દી વર્ષ 2047 સુધીમાં એનર્જી સેક્ટરમાં આત્મનિર્ભરતા માટે એનર્જીને વધુ એફોર્ડેબલ, એક્સેસેબલ અને સ્કેલેબલ બનાવવા સૌને સાથે મળીને આગળ વધવા અનુરોધ કર્યો હતો.
ગ્રીન, સસ્ટેનેબલ અને ક્લીન ઉજવળ ભવિષ્યના નિર્માણ માટે રિન્યુએબલ એનર્જીનો વ્યાપ વધારવાના મંથન-ચિંતનની આ સમિટનું યજમાન બનવાની તક ગુજરાતને આપવા માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાનનો અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.