ઉત્તરાખંડના ઉત્તરકાશી સિલ્કિયારા ટનલ દુર્ઘટનામાં 40 નહીં પરંતુ 41 કામદારો ફસાયા હોવાની માહિતી મળી છે. કંપનીની બેદરકારીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સાત દિવસ બાદ આ માહિતી મળી હતી. 41મા કામદારની ઓળખ દીપક કુમાર તરીકે થઈ છે, જે બિહારના મુઝફ્ફરપુરના ગીજસ ટોલાનો રહેવાસી છે. વરિષ્ઠ અધિકારીએ જણવ્યું કે જ્યારે લિસ્ટમાં 41 કામદારોના નામ આવ્યા ત્યારે NHIDCL અને કન્સ્ટ્રક્શન કંપની નવયુગ કન્સ્ટ્રક્શનની બેદરકારી બહાર આવી હતી.
ફસાયેલા કામદારોના પરિવારો અકસ્માત સ્થળે પહોંચી ગયા છે અને ધીમે ધીમે આશા ગુમાવી રહ્યા છે. ઝારખંડ સરકારની એક ટીમ કામદારોની ખબર-અંતર પૂછવા માટે સ્થળ પર પહોંચી હતી.
ટનલમાં ફસાયેલા કામદારોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા વધી રહી છે. તબીબોનું કહેવું છે કે લાંબા સમય સુધી બંધ, પ્રકાશ અને હવાઉજાસ રહિત જગ્યામાં રહેવાથી માનસિક અને શારીરિક બંને રીતે અત્યંત વિપરીત અસરો થઇ શકે છે. કામદારોને ટ્રોમા અને હાયપોથર્મિયાનું જોખમ પણ છે.
ઉત્તરકાશીના ચીફ મેડિકલ ઓફિસરે જણાવ્યું કે ટનલની નજીક એક અસ્થાયી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 10 એમ્બ્યુલન્સ સાથે ઘણી તબીબી ટીમો પણ સ્થળ પર તૈનાત છે જેથી કામદારો જ્યારે બહાર આવે ત્યારે તેમને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી શકાય.
મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ પોતાના સરકારી આવાસ પર અધિકારીઓ સાથે ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કરવામાં આવી રહેલા બચાવ કાર્યની સમીક્ષા કરી હતી. આ દરમિયાન અધિકારીઓને બચાવ કામગીરીમાં આવતા અવરોધોને પહોંચી વળવા માટે દરેક જરૂરી પગલા ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. બીજી તરફ વડાપ્રધાન કાર્યાલયમાં નાયબ સચિવ મંગેશ ઘિલડિયાલ સિલ્કિયારા પહોંચી ગયા છે.
રેલ વિકાસ નિગમ લિમિટેડની ઓસ્ટ્રેલિયન કન્સલ્ટન્સી કંપનીના નિષ્ણાતો બચાવ કામગીરીમાં મદદ કરવા ઉત્તરકાશી પહોંચ્યા છે. ઈન્દોરથી એરલિફ્ટ કરાયેલું મશીન જોલી ગ્રાન્ટ એરપોર્ટથી મોડી રાત્રે રવાના થયું હતું. મશીનના પાર્ટ્સ કંદિસૌર પહોંચી ગયા છે.
1750 હોર્સ પાવરના ઓગર મશીનના ઓપરેશનને કારણે ટનલની અંદર વાઇબ્રેશન થઇ રહ્યું છે. જેના કારણે સપાટીનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. જેના કારણે વધુ કાટમાળ પડવાનો ભય છે. જેને ધ્યાનમાં રાખીને ઓપરેશન અટકાવવામાં આવ્યું છે. NHIDCLએ શુક્રવારે સાંજે એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું હતું કે મશીનના બેરિંગમાં ખામીને કારણે કામ બંધ કરવામાં આવ્યું છે. આજે ફરી બચાવ કાર્ય શરૂ થશે એવી આશા છે.