દેશભરમાં ચર્ચિત મહાદેવ સટ્ટાબાજીની એપ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા 18 આરોપીઓ સામે નોઈડા પોલીસ ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરશે. આ મામલે નોઈડા પોલીસ સ્ટેશન-39 માં કેસ નોંધવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે EDની અરજી પર મહાદેવ સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નોઈડા પોલીસે પણ એપને બંધ કરવા માટે પત્ર લખ્યો હતો.
વર્ષ 2022માં નોઈડાની એક પોશ સોસાયટીમાંથી મહાદેવ એપ સાથે જોડાયેલા આરોપીઓ ઝડપાયા હતા. આ કૌભાંડની તપાસમાં અનેક ફિલ્મ સ્ટાર્સ પણ અલગ-અલગ એજન્સીઓના રડાર પર છે. પકડાયેલા આરોપીઓ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢના રહેવાસી છે.
આ મામલે ભાજપ છત્તીગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને ઘેરી રહી છે. બીજી તરફ મુંબઈ પોલીસે પણ મહાદેવ એપ કેસમાં કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે ‘મહાદેવ’ સટ્ટાબાજીની એપના ‘પ્રમોટર’ સહિત 32 લોકો વિરુદ્ધ આશરે રૂ. 15,000 કરોડની છેતરપિંડી માટે FIR દાખલ કરી છે. માટુંગા પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને મુખ્ય આરોપી રવિ ઉપ્પલ અને શુભમ સોની અને અન્ય વિરુદ્ધ 2019 થી અત્યાર સુધી છેતરપિંડી કરવા બદલ મંગળવારે FIR નોંધવામાં આવી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દાવો કર્યો હતો કે ફોરેન્સિક વિશ્લેષણ અને રોકડ કુરિયરના નિવેદનમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એજન્સી અનુસાર, મહાદેવ બેટિંગ એપના પ્રમોટર્સે અત્યાર સુધીમાં છત્તીસગઢના મુખ્ય પ્રધાનને 508 કરોડ રૂપિયા આપ્યા છે. એજન્સીએ કહ્યું કે આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.
મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનેલી એપ હતી. જેમાં પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઇવ ગેમ્સ રમવાનું પ્લેટફોર્મ આપવામાં આવતું. આ સાથે એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ચૂંટણી જેવી રમતોમાં પણ ગેરકાયદેસર સટ્ટાબાજી કરવામાં આવતી હતી.