ટોપ ન્યૂઝનેશનલ

‘કોઈ તાકાત મને રોકી શકે નહીં’ ધરપકડ બાદ ચંદ્રાબાબુ નાયડુનું નિવેદન, સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા

સીઆઈડીએ આજે શનિવારે વહેલી સવારે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી) નેતા ચંદ્રબાબુ નાયડુની સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૌભાંડ કેસમાં ધરપકડ કરી હતી. તેમની ધરપકડના થોડા સમય બાદ ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે તેઓ તેલુગુ લોકોના હિતોની રક્ષા માટે પોતાનો જીવ બલિદાન કરવા તૈયાર છે.

એક્સ પર પોસ્ટ કરતા આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, ‘હું છેલ્લા 45 વર્ષથી તેલુગુ લોકોની સેવા કરી રહ્યો છું. તેમના હિતોની રક્ષા માટે હું મારા જીવનનું બલિદાન આપવા તૈયાર છું. આ ધરતી પર એવી કોઈ તાકાત નથી જે મને તેલુગુ લોકો, આંધ્રપ્રદેશ અને મારી માતૃભૂમિની સેવા કરતા રોકી શકે.’

ધરપકડ દરમિયાન ચંદ્રાબાબુ નાયડુએ લોકોને અને તેમના પક્ષના સમર્થકોને સંયમ જાળવવા કહ્યું. તેમણે કહ્યું, ‘મેં કંઈ જ ખોટું કર્યું નથી અને એક ષડયંત્રના ભાગરૂપે મારી ધરપકડ કરવામાં આવી છે. અંતે સત્ય અને ધર્મનો જ વિજય થશે. તેઓ(વાયએસઆરસીપી) મારી સાથે જે પણ કરશે, હું લોકો માટે આગળ વધતો રહીશ.’

ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું, ‘હું પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે મેં કંઈ ખોટું કર્યું નથી. તેઓએ જાણી જોઈને મારી ધરપકડ કરી. પ્રથમ દૃષ્ટિએ મારી સામે કોઈ કેસ નથી. મેં અધિકારીને કૌભાંડમાં મારી ભૂમિકા વિશે પૂછ્યું, જેનો એફઆઈઆરમાં ઉલ્લેખ પણ નથી. તેઓ (વાયએસઆરસીપી) ભયનું વાતાવરણ ઊભું કરવા માંગે છે, તેથી જ તેઓ આવું કરી રહ્યા છે.’
ચંદ્રબાબુ નાયડુની ધરપકડ બાદ ટીડીપી સમર્થકોએ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો. તેઓએ તિરુપતિમાં અન્નપૂર્ણા સારુકુલુ સેન્ટરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. હૈદરાબાદના કેબીઆર પાર્કમાં મહિલા સમર્થકોએ પાર્ટીના ઝંડા સાથે ધરપકડનો વિરોધ કર્યો છે. તેઓએ રાજ્યના સીએમ જગનમોહન રેડ્ડીના પૂતળાનું પણ દહન કર્યું.

આંધ્રપ્રદેશ પોલીસના અધિકારીએ જણાવ્યું કે CIDની ટીમે ચંદ્રબાબુ નાયડુની સવારે લગભગ 6 વાગ્યે નંદ્યાલ શહેરના જ્ઞાનપુરમ ખાતેના આરકે ફંક્શન હોલમાંથી ધરપકડ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button