આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ચાચરચોકમાં ફેરવાયું ન્યુયોર્કનું ટાઇમ્સ સ્કવેર! ગરબાના તાલે ઝૂમ્યા અમેરિકા સ્થિત ગુજરાતીઓ

ન્યુયોર્ક: ગરબો હવે ફક્ત ગુજરાત અને ગુજરાતીઓ પૂરતો સીમિત નથી રહ્યો, યુનેસ્કોએ ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ની યાદીમાં ગરબાને સ્થાન આપીને ગુજરાતના ગરબાને વૈશ્વિક ઓળખ આપી છે. વિશ્વભરમાં ગુજરાતીઓ આ ઐતિહાસિક જાહેરાતની ઉજવણી કરી રહ્યા છે, એવામાં ન્યુયોર્કના ટાઇમ્સ સ્કવેર પર પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ એકત્ર થયા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

કહેવાય છે કે એક ગુજરાતી દરરોજ માત્ર 15 મિનિટ કસરત કરે તો ય થાકીને બેસી જાય, પરંતુ જ્યારે વાત ગરબા રમવાની આવે ત્યારે ગુજરાતીઓને કોઇ ન પહોંચે. ન્યુયોર્કના જોવાલાયક સ્થળોમાંથી સૌથી વધુ પ્રખ્યાત એવા ટાઇમ્સ સ્કવેર પર કડકડતી ઠંડીમાં પણ ચણિયાચોળી-કેડિયું પહેરીને અનેક અમેરિકન ગુજરાતીઓએ ગરબે ઘુમીને પોતાના ઉમંગ અને ઉત્સાહ લાગણી દિલખોલીને વ્યક્ત કરી હતી. આ અદ્ભૂત દ્રશ્યને નિહાળવા માટે ત્યાંથી પસાર થતા સ્થાનિકો પણ બે ઘડી તેમને જોવા માટે ટોળે વળીને ઉભા રહી ગયા હતા, તો કેટલાક લોકોએ તેમની સાથે જોડાઇને આનંદમાં સહભાગી થવાના પણ પ્રયત્નો કર્યા હતા. અનેક લોકોએ આ ક્ષણોને કેમેરામાં કેદ પણ કરી હતી.

https://twitter.com/i/status/1732979077336682975

ગરબાના કાર્યક્રમ બાદ ન્યુયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલ જનરલ ડો. વરુણ જેફએ લોકોને સંબોધન કર્યું હતું, અને કહ્યું હતું કે ગુજરાતના ગરબાનો યુનેસ્કોની ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ની યાદીમાં સમાવેશ થવો એ એક મહત્વનો પ્રસંગ છે.
“આ ઉજવણી માત્ર ગરબાની ઉજવણી નથી પરંતુ ભારતની વૈવિધ્યસભર, જીવંત અને પ્રખ્યાત પરંપરાઓ, વારસા અને સંસ્કૃતિની ઉજવણી છે, આ ગરબાની લયને આપણા હૃદયમાં ગુંજવા દઇએ અને તેને વિશ્વભરમાં ફેલાવવા દઇએ, અમને ખાતરી છે કે આગામી વર્ષોમાં વધુને વધુ ભારતીય તત્વો ધરોહર તરીકે ઉમેરવામાં આવશે.” તેવું જેફએ કહ્યું હતું.

અમેરિકામાં અગ્રણી ડાયસ્પોરા સંસ્થા ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન NY-NJ-NE (FIA) સહિતના કોમ્યુનિટી મેમ્બર્સ ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ સાથે ટાઇમ્સ સ્ક્વેર ખાતે ગરબાની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. ટાઇમ્સ સ્ક્વેર ખાતેના બિલબોર્ડ પર ગરબા પરનો એક ખાસ વિડિયો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો