
નવી દિલ્હી: NEET UG પરીક્ષામાં કથિત ગેરરીતી બાબતે વિદ્યાર્થીઓમાં રોષ વધી રહ્યો છે, આ કેસની CBI તપાસ કરાવવા અંગે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં બેંચે CBI તપાસની માંગ કરતી અરજી પર કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં NTAને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે.
હવે NEET પરીક્ષા સંબંધિત તમામ અરજીઓની સુનાવણી 8 જુલાઈએ થશે. સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો છે.
જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન CBI તપાસની માંગ પર હાલ આદેશ આપવાનો ઈન્કાર કર્યો છે. હવે આ કેસની સુનાવણી 8મી જુલાઈએ થશે. CBI તપાસની માંગ કરતી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓને ઈચ્છિત પરીક્ષા કેન્દ્ર અપાવવા માટે ઘણી યુક્તિઓ અપનાવવામાં આવી હતી.
આ પણ વાંચો : NEET UG 2024: NTA એ રીએક્ઝામ માટે નોટિસ જાહેર કરી, આજે હાઈકોર્ટમાં વધુ એક અરજી પર સુનાવણી
ઓડિશા, ઝારખંડ અને ગુજરાત જેવા રાજ્યોના વિદ્યાર્થીઓએ NEET પરીક્ષામાં બેસવા માટે ગુજરાતના ગોધરા ખાતેનું એક ચોક્કસ કેન્દ્ર પસંદ કર્યું. કથિત રીતે વિદ્યાર્થીઓએ ગોધરાના જય જલરામ સ્કૂલમાં પરીક્ષા આપવા રૂ. 10 લાખની લાંચ આપી હતી.
આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટે ગ્રેસ માર્કસવાળા 1563 વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાનો આદેશ આપ્યો નથી. સુનાવણી દરમિયાન, NTAએ તેને રદ કરવાની વાત કરી અને ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપ્યો.
એક અરજદારે પેપર લીક કેસમાં નોંધાયેલી એફઆઈઆરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી 8મી જુલાઈએ થશે.