
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ઇડીએ બુધવારે દિલ્હીની એક કોર્ટને જણાવ્યું હતું કે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને અન્ય ઘણા લોકો સામે મની લોન્ડરિંગનો પ્રાથમિક કેસ બનેલો છે.
ઇડીએ સ્પેશિયલ જજ વિશાલ ગોગણે સમક્ષ પ્રારંભિક દલીલો દરમિયાન આ વાત કહી હતી. ઇડીએ સુનાવણી દરમિયાન આ કેસમાં તેની ચાર્જશીટની નકલ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીને આપવાનો પણ નિર્દેશ કર્યો.જેમની વ્યક્તિગત ફરિયાદ પર ઇડીએ આ કેસ નોંધ્યો છે. આ મામલે દલીલો હજુ પણ ચાલુ છે.
આપણ વાંચો: સોનિયા અને રાહુલએ સંપત્તિ હડપવા કાવતરું રચ્યું હતું! નેશનલ હેરાલ્ડ કેસમાં EDનો મોટો ખુલાસો
5000થી વધુ પાનાની ચાર્જશીટ વાંચવામાં સમય લાગશે : સિંઘવી
એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ અને પ્રસ્તાવિત આરોપી વતી અભિષેક સિંઘવી દલીલો રજૂ કરવા માટે કોર્ટમાં હાજર રહ્યા.
કોર્ટે કહ્યું કે ઇડી આજે પોતાની દલીલો રજૂ કરે. કોર્ટ પછીથી જોશે કે બીજા પક્ષને જવાબ આપવા માટે કેટલો સમય આપવો જોઈએ.આ દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેમને 5000 થી વધુ પાનાની ચાર્જશીટ મળી છે. તેને વાંચવામાં સમય લાગશે.
કુલ 7 લોકોને આરોપી બનાવવામાં આવ્યા
એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ જણાવ્યું હતું કે ફરિયાદ એક અધિકૃત અધિકારી દ્વારા દાખલ કરવામાં આવી હતી. દલીલ કરતી વખતે એસવી. રાજુએ કહ્યું કે સોનિયા ગાંધી આ કેસમાં પ્રથમ આરોપી છે જ્યારે રાહુલ ગાંધીને બીજા આરોપી બનાવવામાં આવ્યા છે.
આ સાથે કુલ 7 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સુમન દુબે, સેમ પિત્રોડા, યંગ ઇન્ડિયન, ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડ અને સુનિલ ભંડારીને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
આપણ વાંચો: નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટે રાહુલ-સોનિયા ગાંધીને નોટિસ ફટકારી, જાણો કોર્ટે શું કહ્યું
સોનિયા અને રાહુલ યંગ ઇન્ડિયનના શેરધારકો
આ બધા આરોપીઓ પર એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની 2,000 કરોડ રૂપિયાથી વધુની મિલકતો ગેરકાયદે રીતે હસ્તગત કરીને મની લોન્ડરિંગમાં સામેલ હોવાનો આરોપ છે. સોનિયા અને રાહુલ યંગ ઇન્ડિયનના શેરધારકો છે. આ બંને પાસે 38- 38 ટકા શેર છે.
છેલ્લી સુનાવણીમાં તમામ આરોપીઓને નોટિસ અપાઈ
આ અગાઉ 8 મેના રોજ, કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસની સુનાવણી મુલતવી રાખી હતી અને તેની નવી તારીખ 21 અને 22 મે નક્કી કરી હતી. આ અગાઉ કોર્ટે આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી હતી.
ત્યારબાદ ન્યાયાધીશ ગોગણેએ ઇડીની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે અગાઉના આદેશ મુજબ, તમામ આરોપીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે ન્યાયાધીશે ઉમેર્યું કે, આજે જ પ્રસ્તાવિત આરોપી 4 (સેમ પિત્રોડા) ને તેમના વૈકલ્પિક ઇમેઇલ આઈડી પર નોટિસ મોકલવામાં આવી છે. તેથી તેમની દલીલ આગામી તારીખે સાંભળવામાં આવે.
આપણ વાંચો: નેશનલ હેરાલ્ડ કેસ: નહેરૂ-ગાંધી ખાનદાન દૂધે ધોયેલો નથી
મુખ્ય ફરિયાદી સુબ્રમણ્યમ સ્વામી
કોર્ટે કહ્યું, આ કેસ સંબંધિત કાર્યવાહીમાં મુખ્ય ફરિયાદી સુબ્રમણ્યમ સ્વામી છે. તેમણે તેમની હાજરીનો ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું છે કે હાલની ફરિયાદ અને દસ્તાવેજોની નકલ પૂરી પાડવા માટે તેમના દ્વારા અરજી દાખલ કરવામાં આવશે.
સોનિયા અને રાહુલને પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર
કોર્ટે મહિનાની શરૂઆતમાં જ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી દીધી હતી. આ સાથે, કોંગ્રેસના નેતાઓ સેમ પિત્રોડા અને સુમન દુબે, યંગ ઈન્ડિયન, ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડ અને સુનીલ ભંડારીને પણ નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે ન્યાયાધીશે કહ્યું હતું કે ચાર્જશીટની નોંધ લેતી વખતે સોનિયા અને રાહુલ ગાંધીને પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર છે.
ઇડીએ વર્ષ 2021માં કેસની તપાસ શરૂ કરી
આ કેસમાં ચાર્જશીટ મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ(PMLA)ની કલમ 3 (મની લોન્ડરિંગ) અને 4 (મની લોન્ડરિંગ માટે સજા) હેઠળ દાખલ કરવામાં આવી હતી. 26 જૂન 2014ના રોજ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી ખાનગી ફરિયાદની નોંધ મેજિસ્ટ્રેટ કોર્ટે લીધા બાદ ઇડીએ વર્ષ 2021માં તેની તપાસ શરૂ કરી છે.