આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

…તો આ દિવસથી દોડશે મુંબઈ મેટ્રો-3ઃ જાણો એક્વાલાઈન વિશે મહત્વના અપડેટ્સ

મુંબઈઃ મુંબઈ મેટ્રોરેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલા ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવી મુંબઈ મેટ્રો-3 અન્ડગ્રાઉન્ડ રેલ સર્વિસ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થવાની પૂરી સંભાવના છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારે સપ્ટેમ્બર મહિના પહેલા એટલે કે ચાલુ મહિનાના અંત સુધીમાં મેટ્રો-થ્રીનો પહેલો ફેસ આરે કોલોનીથી બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ (બીકેસી) જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તેવો આગ્રહ રાખ્યો છે. ઑગસ્ટના અંત કે સપ્ટેમ્બરની શરૂઆતથી આ સેવા શરૂ થાય તેવી સંભાવના એક અહેવાલમાં સૂત્રો દ્વારા વ્યકત કરવામાં આવી છે.

એમએમઆરસીએલના સૂત્રોના જણાવ્યા અનુસાર આવતા અઠવાડિયે કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટીને આમંત્રણ આપવામાં આવ્યું છે. મેટ્રોનું 97 ટકા કામ પૂરુ થયું છે. એમએમઆરસીએલ સર્ટિફિકેશનની રાહ જોઈ રહી છે. આ સાથે ફાયર બ્રિગેડ દ્વારા પરિક્ષણ થયા છે અને ઈલેક્ટિ્રકલ સિસ્ટમનું ટેસ્ટિંગ પણ પૂરુ થવાને આરે છે.

એમએમઆરસીએલના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર વધીને સપ્ટેમ્બરની શરૂઆતથી જ મુંબઈગરાઓ મેટ્રોના પહેલા ફેસમાં પ્રવાસ કરતા થઈ જશે અને કફ પરેડનો બીજો ફેસ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં કાર્યરત થઈ જશે.

આ પણ વાંચો: તમે મેટ્રો-3 શરૂ થવાની રાહ જોઈ રહ્યા છો…તો પહેલા આ વાંચી લો

આરે કોલોનીથી બીકેસી વચ્ચેના ખૂબ મહત્વના રૂટ પર એમએમઆરસીએલએ દિવસદીઠ 260 ફેરી શરૂ કરવાની તૈયારી કરી છે. પ્રવાસીઓને દર 6.4 મિનિટે એક ટ્રેન મળશે. દરેક ટ્રેન આઠ કૉચની હશે અને એક ટ્રેન ઈમરજન્સીની શક્યતાને ધ્યાનમાં રાખી સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. હાલમાં એમએમઆરસીએલ પાસે કુલ 19 ટ્રેન છે.

આ ટ્રેનની બન્ને રીત ટ્રાયલ કરવામાં આવી છે. મુસાફરો સાથે અને મુસાફરો વિના મેટ્રો-3 સફળતાપૂર્વક દોડી રહી છે.
મુંબઈ જેવા અત્યંત ગીચ વિસ્તારના પેટાળમાં જઈ અન્ડગ્રાઉન્ડ મેટ્રોનું કામ જેટલું અઘરું હતું, તેટલી જ અડચણો પર્યાવરણને લગતા પ્રશ્નો મામલે પણ આવી હતી.

મેટ્રોનો કારશેડ મુંબઈના હરિયાળા વિસ્તાર એવા આરે કોલોનીમાં પ્રસ્તાવિત હોવાથી ખૂબ જ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ વચ્ચે ઘણી રાજકીય ઉથલપાથલો થતાં કામ ખોરંભે ચડ્યું હતું. પોતાન પહેલા પાંચ વર્ષીય કાર્યકાળમાં જ આ પ્રોજેક્ટ માટે ખૂબ જ મહત્વાકાંક્ષી તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના બીજા ઉપ મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળમાં આ પ્રોજેક્ટ શરૂ થવા જશે. જોકે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 2014માં ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે કર્યો હતો અને કૉંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ પણ આ પ્રોજેક્ટના આગ્રહી હતા.

ત્યારે ઘણી પ્રતીક્ષા પછી મુંબઈની મેટ્રો-3 સપ્ટેમ્બર મહિનાથી દોડતી થાય તેવી પૂરી સંભાવના છે. આ ટ્રેન બાન્દ્રા-કૂર્લા કૉમ્પ્લેક્સ અને સિપ્ઝ ખાતે મુંબઈ મેટ્રો રિજનમાંથી આવતા હજારો નોકરિયાતો-ધંધાર્થીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને લોકલ ટ્રેનના ભારણ તેમ જ રસ્તા પરના ટ્રાફિકમાં ઘટાડો કરશે તેમ માનવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button