તમે મેટ્રો-3 શરૂ થવાની રાહ જોઈ રહ્યા છો…તો પહેલા આ વાંચી લો
કોલાબાથી SEEPZ સુધી 33.5 કિલોમીટર લાંબી ભૂગર્ભ મેટ્રો લાઇનની મુંબઇગરા આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ મુદ્દે હવે એવું જાણવા મળ્યું છે કે Mumbai Metro Rail Corporationએ હજી સુધી Commissioner of Metro Railway Safety (CMRS)ને મેટ્રો સેવા શરૂ કરવા અંગે સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરી જ નથી. CMRSને અરજી કરવામાં આવ્યા બાદ તેમની પાસેથી ઓલ ઓકે સર્ટિફિકેટ મળ્યા બાદ જ કોલાબાથી SEEPZ ભૂગર્ભ મેટ્રોનો આરેથી બીકેસી સુધીની એક્વા લાઇનનો માર્ગ શરૂ થશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે CMRSની મંજૂરી માંગવામાં આવે તે પહેલાં બાંધકામના તમામ પાસાઓ તપાસવાના બાકી છે,તેથી હાલમાં CMRSને અરજી કરવામાં આવી નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ અને આર્કિટેક્ચરલ ફિનિશિંગ પરનું બાકીનું 5% કામ હજુ પૂર્ણ કરવાનું બાકી છે. મેટ્રો 3 માટે એક કોન્ટ્રાક્ટર શેડ્યૂલથી પાછળ પડી ગયો છે, જેના કારણે પ્રોજેક્ટના I-BKC-આરે-તબક્કાના કમિશનિંગની સમયમર્યાદા જોખમમાં મૂકાઈ છે. વધુમાં, યોગ્ય સાવચેતીના અભાવને કારણે વરસાદી પાણી અંદર પ્રવેશી રહ્યું છે, જે સંભવતઃ સ્ટેશનોની અંદરની સંપત્તિને નુકસાન પહોંચાડે છે. આનાથી મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC) એ કોન્ટ્રાક્ટર પર રૂ. 2 કરોડનો દંડ પણ લાદ્યો છે.
રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે મેટ્રો 3 કોરિડોરનો આરે અને BKC વચ્ચેનો પ્રથમ તબક્કો સપ્ટેમ્બર પહેલા ખુલશે અને કફ પરેડનો સમગ્ર માર્ગ ડિસેમ્બર 2024 સુધીમાં કાર્યરત થઈ જશે. અગાઉ 24 જુલાઈએ મેટ્રો-3નો ફેઝ વન શરૂ થશે તેવી ખબરોએ જોર પકડ્યું હતું. ભાજપના નેતા વિનોદ તાવડેએ પણ આ અંગે ટ્વીટ કરી હતી, પરંતુ હજુ મેટ્રો ક્યારે શરૂ થશે તેની સત્તાવાર કોઈ માહિતી મળી નથી.
નોંધનીય છે કે MMRCએ શરૂઆતમાં બે તબક્કામાં મેટ્રો-3 લાઇન શરૂ કરવાનું આયોજન કર્યું હતું, જે મુજબ ડિસેમ્બર 2023માં આરે-BKCનો પ્રથમ તબક્કો અને જુલાઈ 2024માં BKC-કફ પરેડનો તબક્કો ચાલુ કરવામાં આવવાનો હતો, પણ કામમાં વિલંબ થતાં ફેબ્રુઆરી 2024માં, MMRCએ મે મહિનામાં આરે-BKCનો પ્રથમ તબક્કો ખોલવાનું નવું લક્ષ્ય નક્કી કર્યું હતું, જેમાં પણ વિલંબ થયો હતો અને ત્યાર બાદ જુલાઇની નવી ડેડલાઇન આપવામાં આવી હતી. હવે આપણે રાહ જોઇએ કે સપ્ટેમ્બરમાં આ ભૂગર્ભ મેટ્રો લાઇનનો કમ સે કમ પ્રથમ તબક્કો તો શરૂ થઇ જાય અને લાખો મુંબઇગરાઓને ફાયદો થાય.