
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના બીજા ચરણના મતદાન પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહ(Sanjay Singh)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી(BJP)ની કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે 5G સ્પેક્ટ્રમની ફાળવણીમાં મેગા કૌભાંડ (5G spectrum scam)કર્યું છે.
સંજય સિંહે કહ્યું કે 2012માં 2જી સ્પેક્ટ્રમની ફાળવણી વખતે ભાજપે પોતે તત્કાલીન સરકારની ‘ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વની નીતિ’નો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ આ નીતિને અયોગ્ય ઠેરવી, સ્પેક્ટ્રમની હરાજી કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આજે ભાજપની કેન્દ્ર સરકાર પોતાની જ વિચારસરણીથી પીછેહઠ કરી છે અને પોતાના મિત્ર ઉદ્યોગપતિઓને હરાજી વગર 5G સ્પેક્ટ્રમ ફાળવી રહી છે.
દિલ્હી સ્થિત આમ આદમી પાર્ટીના હેડક્વાર્ટર ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, સંજય સિંહે આરોપ લગાવ્યો કે પહેલા કેન્દ્રએ સંસદમાં 150 સાંસદોને સસ્પેન્ડ કર્યા અને પછી 5G સ્પેક્ટ્રમ માટે ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વની નીતિ પસાર કરી અને હવે તેને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ મંજૂરી અપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન આ માત્ર પોતાના કેટલાક મિત્રોને ફાયદો કરાવવા માટે કરી રહ્યા છે, પરંતુ AAP દેશની જનતાને મૂર્ખ બનાવવા દેશે નહીં અને અમે ભાજપની યોજનાઓને સફળ થવા નહીં દઈએ.
આપણ વાંચો: ભારતની પ્રાથમિકતા છે AI અને 5G: Vibrant Gujarat Summitમાં પીએમ મોદીએ કહી મોટી વાતો..
તેમણે કહ્યું, “ભાજપની કેન્દ્ર સરકાર અને PMએ દેશના 15 લાખ કરોડ રૂપિયા તેમના મિત્રોમાં વહેંચી દીધા. 3.5 લાખ કરોડ રૂપિયા માફ કર્યા. તેમણે તેના એક મિત્રને વીજળી, પાણી, રસ્તા, સ્ટીલ, બંદરો, કોલસો, ગેસ અને એરપોર્ટ બધું સોંપી દીધું.; તેમણે આખો દેશ તે એક વ્યક્તિને આપી દીધો છે. અને તેણે પોતાના ભત્રીજાને BCCIનો અધ્યક્ષ બનાવી દીધો. પહેલા તેઓ બીજાના કૌભાંડો ગણાવતા હતા અને હવે તેમના પોતાના કૌભાંડોની યાદી લાંબી થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે કેન્દ્ર સરકારે 2G સ્પેક્ટ્રમ ફાળવણી કેસમાં સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદામાં ફેરફાર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સંજય સિંહે 5G સ્પેક્ટ્રમ લાયસન્સના વિતરણને લગતી વિવાદાસ્પદ ‘ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વ’ નીતિ પર કેન્દ્ર સરકારના વલણ અંગે તેમની ચિંતાઓની વ્યક્ત કરી હતી.
સંજય સિંહે કહ્યું કે “એક સમયે વડા પ્રધાન સહીત સમગ્ર ભાજપ બુમો પાડી 2G નીતિની ગલીના ખૂણે ખૂણે ટીકા કરી રહી હતી, અને તેમણે જ દાવો કર્યો હતો કે ‘ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વ’ નીતિ અયોગ્ય હતી. 2012 માં, માનનીય સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે સ્પેક્ટ્રમ લાયસન્સની હરાજી થવી જોઈએ અને ‘ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વ’ નીતિના આધારે સ્પેક્ટ્રમ આપવા જોઈએ નહીં, કોર્ટે કહ્યું હતું કે કોઈપણ સંજોગોમાં સ્પેક્ટ્રમ લાઇસન્સ માટે હરાજી પ્રક્રિયાને અનુસરવી જોઈએ.”
સંજય સિંહે કહ્યું કે “પરંતુ મોદીજી અને તેમની સરકાર આજે આખા દેશની સામે ખુલ્લી પડી ગઈ છે. 2023માં જ્યારે સંસદના 150 સભ્યોને હાંકી કાઢવામાં આવ્યા હતા, ત્યારે પીએમ મોદી અને ભાજપે ‘ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વ’ નીતિ પસાર કરી.”
સંજય સિંહે કટાક્ષ કરતા કહ્યું કે, “હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં કહી રહ્યા છે કે જો તેઓ હરાજી પ્રક્રિયામાંથી પસાર થશે, તો તે દેશ માટે ફાયદાકારક રહેશે, અને દેશની આવકમાં વધારો થશે. પરંતુ તેમના મિત્રોની આવક કેવી રીતે વધશે?”.
2 ફેબ્રુઆરી, 2012ના રોજ, સર્વોચ્ચ અદાલતે જાન્યુઆરી 2008માં એ રાજાના ટેલિકોમ પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન વિવિધ કંપનીઓને 2જી સ્પેક્ટ્રમ લાયસન્સ ફાળવણી રદ કરી હતી. કોર્ટે એ પણ જણાવ્યું હતું કે દેના કુદરતી સંસાધનોને ટ્રાન્સફર કરતી વખતે સરકારે હરાજીનો માર્ગ અપનાવવો ફરજિયાત છે.
21 ડિસેમ્બર, 2017ના રોજ, વિશેષ અદાલતે 2જી સ્પેક્ટ્રમ ફાળવણીના કેસમાં એ રાજા, કનિમોઝી અને અન્યને નિર્દોષ જાહેર કર્યા હતા. CBIએ આ આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે.