નાગપુર હિંસા મામલે સ્થાનિક લઘુમતી નેતાની ધરપકડ, સંવેદનશીલ વિસ્તારોમાં હજુ પણ કર્ફ્યુ…

નાગપુર: સંભાજીનગરમાં આવેલી મુઘલ શાસક ઔરંગઝેબની કબર તોડી પાડવાની માંગણીને કારણે મહારાષ્ટ્રનું રાજકારણ (Aurangzeb Tomb) ગરમાયું છે. કબર તોડી પાડવાની માંગ સાથે સોમવારે રાઈટવિંગ સંગઠનોના કાર્યકર્તાઓએ નાગપુરમાં રેલી કાઢી હતી. આ દમિયાન એક સમુદાયના પવિત્ર ગ્રંથનું અપમાન કરવામાં આવ્યું હોવાની અફવાઓને કારણે ચિટનીસ પાર્ક વિસ્તારમાં હિંસા ભડકી (Nagpur Violence) ઉઠી હતી.
આ પણ વાંચો:સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામ ઝુલાસણમાં જશ્નનો માહોલ, જુઓ વીડિયો…
ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેમાં 34 કર્મચારીઓ ઘાયલ થયા. આ હિંસા મામલે પોલીસે એક સ્થાનિક નેતાની ધરપકડ કરી છે. અહેવાલ મુજબ નાગપુર પોલીસે બુધવારે માઇનોરીટી ડેમોક્રેટિક પાર્ટી (MDP) ના સ્થાનિક નેતા ફહીમ શમીમ ખાન(Fahim Shamim Khan)ની ધરપકડ કરી હતી. ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં ફહીમ શમીમ ખાનનું નામ સામેલ કરવામાં આવ્યાના ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરવામાં આવી.
પોલીસે ફહીમનો ફોટોગ્રાફ અને એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં હિંસા ફાટી નીકળ્યા પહેલા તે કથિત રીતે ભડકાઉ ભાષણ આપી રહ્યો હોય એવું દેખાતું હતું. તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસ અને વિડીયો પુરાવા મુજબ ફહીમ ખાનના ઉશ્કેરણીજનક ભાષણને કારણે તણાવ વધી ગયો હતો, જેના કારણે આ વિસ્તારમાં સમુદાયો વચ્ચે અથડામણો થઈ હતી.
કોણ છે ફહીમ?
38 વર્ષીય ફહીમ MPDનો શહેર પ્રમુખ છે અને યશોધરા નગરમાં સંજય બાગ કોલોનીનો રહેવાસી છે. ફહીમ ખાને 2024ની લોકસભા ચૂંટણી નાગપુર મતવિસ્તારમાંથી MDP તરફથી ઉમેદવારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, તેઓ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સામે તેની 6.5 લાખથી વધુ મતોના મોટા માર્જિનથી હાર થઇ હતી.
આ પણ વાંચો:સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા, નાસાએ સ્પેસએક્સનો આભાર માન્યો…
નાગપુરમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ:
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નાગપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ શહેરના ઘણા સંવેદનશીલ વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં 2,000 થી વધુ સશસ્ત્ર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.