ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

બાંગ્લાદેશમાં બબાલઃ હિંસા-વિરોધ વકરતા 91 લોકોનાં મોત, 300 ઈજાગ્રસ્ત

અનિશ્ચિતકાળ માટે કર્ફ્યુ લાદ્યો, સોશિયલ મીડિયા સહિત ઈન્ટરનેટ પર પ્રતિબંધ

ઢાકાઃ બાંગ્લાદેશમાં વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણી સાથે વિદ્યાર્થી આંદોલન દ્વારા જાહેર કરાયેલા અસહકાર આંદોલનના પ્રથમ દિવસે રવિવારે વિરોધીઓ અને સત્તાધારી આવામી લીગના સમર્થકો વચ્ચે હિંસક અથડામણમાં 91 લોકોના મોત અને સેંકડો ઘાયલ થયા હતા, જ્યારે 14 પોલીસનાં મોત થયા છે.

આ અથડામણ આજે સવારે ત્યારે ચાલુ થઇ જ્યારે સરકારના રાજીનામાની માંગને લઇને અસહયોગ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા પ્રદર્શનકારીઓને આવામી લીગ, છાત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશના ૧૩ જિલ્લાઓમાં થયેલી અથડામણોમાં અનેક લોકોનાં મોત તથા 300થી વધુ લોકોને ઈજા પહોંચી છે.

ગૃહ મંત્રાલયે રવિવારે સાંજે ૬ વાગ્યાથી દેશવ્યાપી અનિશ્ચિતકાળ માટે કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. મીડિયાના અહેવાલમાં જણાવ્યા અનુસાર એક સરકારી એજન્સીએ મેટા પ્લેટફોર્મ ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ બંધ કરવાનો આદેશ આપ્યો છે. મોબાઇલ ઓપરેટરોને ૪જી મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
સ્ટુડન્ટસ અગેઇન્સ્ટ ડિસ્ક્રિમિનેશન નામના મંચે સરકારના રાજીનામાની એક મુદ્દાની માંગ સાથે રવિવારથી સર્વત્ર અસહકાર આંદોલનની હાકલ કરી છે. દરમિયાન વડા પ્રધાન હસીનાએ કહ્યું કે વિરોધના નામે સમગ્ર બાંગ્લાદેશમાં તોડફોડ કરનારાઓ વિદ્યાર્થીઓ નથી, પરંતુ આતંકવાદી છે. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)ના સૂત્રોને ટાંકીને અખબારે અહેવાલ આપ્યો હતો કે હસીનાએ રાજભવન ખાતે સુરક્ષા બાબતોની રાષ્ટ્રીય સમિતિની બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ, આરએબી, બીજીબી અને અન્ય ટોચના સુરક્ષા અધિકારીઓએ હાજરી આપી હતી. દેશના કેટલાક ભાગોમાં નવેસરથી હિંસા ફેલાઇ જતાં આ બેઠક બોલાવવામાં આવી હતી. અસહકાર આંદોલનના પ્રથમ દિવસે રાજધાનીના સાયન્સ લેબ ચોક ખાતે પણ દેખાવકારો એકઠા થયા હતા.

આ પણ વાંચો :

તેઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ડેઇલી સ્ટાર અખબાર અનુસાર બંગબંધુ શેખ મુજીબ મેડિકલ યુનિવર્સિટીમાં રવિવારે અજાણ્યા લોકોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. લાકડીઓ લઇને આવેલા લોકો હોસ્પિટલના પરિસરમાં ખાનગી કાર, એમ્બ્યુલન્સ, મોટરસાઇકલ અને બસોની તોડફોડ કરતા જોવા મળ્યા હતા.

વિરોધીઓએ વધતી હિંસાને ડામવાના હેતુથી વડા પ્રધાન હસીનાના વાતચીતના આમંત્રણને ફગાવી દીધું છે. તથા તેની માંગને એકત્રિત કરતાં સરકારના રાજીનામાની માંગણી કરી છે. વિરોધ સંયોજકોએ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટી, ખાનગી યુનિવર્સિટીઓ અને મદરેસાના વિદ્યાર્થીઓ તેમજ કામદારો, વ્યાવસાયિકો, રાજકીય કાર્યકારો અને અન્ય જાહેર સભ્યોને વિરોધમાં ભાગ લેવા માટે આહ્વાન કર્યું હતું. અનેક સ્થળોએ પોલીસ વાહનો અને સરકારી ઇમારતોમાં તોડફોડ અને આગચંપી કરવાના અહેવાલો છે.

અહીં એ જણાવવાનું કે ગયા મહિના દરમિયાન બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે 200 લોકોનાં મોત થયા હતા, જેમાં 32 બાળકનો સમાવેશ થયો હતો. આ વિરોધ પ્રદર્શનોમાં અનેક બાળકોની ધરપકડ કરવામાં આવ્યા પછી યુનિસેફે પણ તેની ટીકા કરી હતી.

નોંધનીય છે કે બાંગ્લાદેશની ૧૯૭૧માં આઝાદીની લડાઇમાં લડેલા નિવૃત સૈનિકોના સંબંધીઓ માટે ૩૦ ટકા સરકારી નોકરીઓ અનામત રાખતી વિવાદાસ્પદ ક્વોટા પ્રણાલીનો અંત લાવવાની માગણી કરતા પોલીસ અને મોટા ભાગે વિદ્યાર્થી વિરોધીઓ વચ્ચેની હિંસક અથડામણમાં ૨૦૦થી વધુ લોકોના મોત થયાના દિવસો પછી અથડામણનો નવો રાઉન્ડ ફાટી નીકળ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button