બાંગ્લાદેશમાં ફરી હિંસાઃ વિરોધ પ્રદર્શનમાં 32નાં મોત, શેખ હસીનાની ખુરશી ખતરામાં
ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયાના અહેવાલો અનુસાર રવિવારે બાંગ્લાદેશમાં ફાટેલી હિંસામાં 32 થી વધુ લોકોમાં મોત થયા છે. અહીં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓની પોલીસ અને શાસક પક્ષના કાર્યકરો સાથે ઘર્ષણ થયું. વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા હજારો દેખાવકારોને વિખેરવા પોલીસે ટીયર ગેસ છોડ્યા અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. રવિવારે સાંજે 6 વાગ્યાથી અનિશ્ચિત રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરી દેવામાં આવી છે.
બાંગ્લાદેશના 1971ના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે સરકારી નોકરીઓમાં 30 ટકા અનામતની ક્વોટા સિસ્ટમને લઈને ગયા મહિને વિરોધ શરૂ થયો હતો. સરકારી નોકરીઓ માટે અનામત સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલનમાં હિંસા ભડકી ચૂકી છે અને અત્યાર સુધીમાં દેશભરમાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે. આંદોલનનું મુખ્ય કેન્દ્રબિંદુ રાજધાની ઢાકા બન્યું છે.
આ પણ વાંચો : ‘કોઈપણ ઉપલબ્ધ ટિકિટ લઈને લેબનન છોડી દો…’ આ દેશોએ એડવાઇઝરી જાહેર કરી, ભારતે શું કહ્યું
એક અહેવાલ મુજબ રવિવારે પ્રદર્શનકારીઓનું ટોળું લાકડીઓ વગેરે લઈને ઢાકાની મધ્યમાં શાહબાગ ચોક પર એકઠી થઈ હતી. ત્યારે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઉગ્ર સંઘર્ષ થયો. આ સિવાય ઘણા સ્થળો અને મોટા શહેરોમાં રસ્તાઓ પર પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે સામસામે ઘર્ષણ થયું હતું. પ્રદર્શનકારીઓએ મુખ્ય હાઇવે બ્લોક કરી દીધા હતા. આ અથડામણમાં પોલીસની સાથે સત્તાધારી પાર્ટી અવામી લીગના સમર્થકો પણ હતા, જેમની સાથે વિરોધીઓ સામસામે આવી ગયા હતા.
પ્રદર્શનકારીઓમાં વિદ્યાર્થીઓ તેમજ મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી દ્વારા સમર્થિત કેટલાક જૂથોનો સમાવેશ થાય છે. આંદોલનકારીઓએ ટેક્સ અને બિલ ન ભરવાની અપીલ કરી છે અને રવિવારે કામથી અળગા રહેવાની પણ અપીલ કરી છે. પ્રદર્શનકારીઓએ રવિવારે ખુલ્લી ઓફિસો અને સંસ્થાઓ પર પણ હુમલો કર્યો હતો. આ સીવાય અનેક ગાડીઓમાં આગ લગાવી દેવાની ઘટના સામે આવી છે. મુંશીગંજ પોલીસના જણાવ્યા અનુસાર શહેરો અત્યારે રણમેદાન સમાન બની ચૂક્યા છે.
રાષ્ટ્રવ્યાપી કર્ફ્યૂની જાહેરાત:
જો કે પીએમ હસીના અને તેમની પાર્ટી પ્રદર્શનકારીઓના દબાણને ફગાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. સરકારે હિંસા ભડકાવવા માટે વિરોધ પક્ષો અને હવે પ્રતિબંધિત જમણેરી જમાત-એ-ઈસ્લામી પાર્ટી અને તેમની વિદ્યાર્થી પાંખોને જવાબદાર ઠેરવ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા બેઠક બાદ હસીનાએ આરોપ લગાવ્યો કે, “જે લોકો અત્યારે રસ્તા પર વિરોધ કરી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓ નથી, પરંતુ આતંકવાદી છે જેઓ દેશને અસ્થિર કરવા માંગે છે.” તેમણે દેશવાસીઓને આ આતંકવાદીઓને કડકાઈથી દબાવવાની અપીલ કરી હતી.