મનુ ભાકરને એકસાથે 40 બ્રૅન્ડની ઑફર, રાતોરાત ફી સાતગણી વધારી દીધી!
મનુ ભાકર પૅરિસ ઑલિમ્પિક્સ પહેલાં અમુક જ બ્રૅન્ડ માટેના એન્ડોર્સમેન્ટ કૉન્ટ્રૅક્ટ કરી શકી હતી, પણ ત્રણ દિવસમાં તેને 40 જેટલી નવી બ્રૅન્ડ તરફથી ઑફર મળી હોવાનું મનાય છે.અત્યાર સુધી તેની એક બ્રૅન્ડ માટેની ફી 20થી 25 લાખ રૂપિયા હતી, પણ હવે તેણે એક ડીલ માટેની ફી વધારીને 1.50 કરોડ કરી નાખી હોવાનું મનાય છે. આ નવા કરાર એક વર્ષ માટેના રહેશે.
મનુ ભાકર ઑલિમ્પિક્સમાં ભાગ લઈને પૅરિસથી પાછી આવશે ત્યાર બાદ પોતાના મૅનેજર સાથેની ચર્ચામાં કઈ કંપની સાથે ડીલ કરવા એના પર વિચાર કરશે.
આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય નિશાનબાજોની નિરાશાજનક શરૂઆત
એવું મનાય છે કે મનુ ભાકર કેટલીક કંપનીની બ્રૅન્ડ માટે ટૂંકા ગાળાને અને અમુક સાથે લાંબા ગાળાના કરાર કરશે.
મનુ ભાકર 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં પોતાની પિસ્તોલ ખરાબ થઈ જવાને કારણે મેડલ વગર સ્વદેશ પાછી આવી હતી. જોકે આ વખતે તેનું ભારતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને એ સાથે તેના પર રોકડ ઇનામોની તેમ જ પુરસ્કારોની વર્ષા પણ થશે.
મનુ ભાકર શૂટિંગના તેના વર્ગમાં વર્લ્ડ ચૅમ્પિયન છે અને નાની-મોટી સ્પર્ધાઓમાં 20થી વધુ ગોલ્ડ મેડલ તથા અઢળક સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીતી ચૂકી છે.
જોકે હવે ઑલિમ્પિક્સના લાગલગાટ મેડલ જીતવાને કારણે તે હવે નૅશનલ આઇકન બની ગઈ છે. યુવા વર્ગના ઍથ્લીટો તેની સિદ્ધિઓને તથા તેણે કરેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને પોતાની કરીઅર બનાવવા વિચારી શકશે.