નવી દિલ્હી: છત્તીસગઢમાં વિધાન સભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટો દાવો કર્યો હતો. ED એ શુક્રવારે જણાવ્યું હતું કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે અત્યાર સુધીમાં મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપ્યા છે. અધિકારીઓ એ કહ્યું કે એજન્સી વધુ તપાસ કરી રહી છે.
EDના આ દાવા પર છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે વળતો જવાબ આપતા કહ્યું હતું કે EDની ચતુરાઈ જુઓ કે તે વ્યક્તિનું નિવેદન જાહેર કર્યા પછી તેણે નાનકડા વાક્યમાં લખ્યું છે કે નિવેદન તપાસનો વિષય છે. જો તપાસ ન થઈ હોય તો એક વ્યક્તિના નિવેદન પર પ્રેસ રિલીઝ જાહેર કરવાથી માત્ર EDના ઈરાદા જ નહીં પરંતુ તેની પાછળ કેન્દ્ર સરકારના બદઈરાદાઓ પણ છતાં થાય છે.
કોંગ્રેસે પણ EDના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા વડા પ્રધાનમોદી પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, છત્તીસગઢ અને રાજસ્થાનમાં નિશ્ચિત જણાતી હારથી ડરેલા વડાપ્રધાને કોંગ્રેસના નેતાઓની છબી ખરાબ કરવા માટે તેમના છેલ્લા અને એકમાત્ર બચેલા હથિયાર મોદીઆસ્ટ્રા (ED) નો ઉપયોગ કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, છત્તીસગઢ અને રાજસ્થાનના લોકો કોંગ્રેસ પાર્ટી માટે બખ્તર છે. વડાપ્રધાન મોદીની ડરાવવાની વ્યૂહરચના મતદારોના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. તેઓ જાણે છે કે આ માત્ર ચૂંટણી માટેનું નાટક છે જે ભાજપની હતાશા દર્શાવે છે.
ગુરુવારે 2 નવેમ્બરના રોજ EDએ છત્તીસગઢમાં મહાદેવ બેટીંગ એપ કેસમાં 5 કરોડ 39 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. ઉપરાંત રૂ. 15.59 કરોડ ધરાવતું બેંક અકાઉન્ટ પણ ફ્રીઝ/જપ્ત કરવામાં આવ્યું હતું.
EDએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “અસીમ દાસની પૂછપરછ, તેની પાસેથી મળી આવેલા ફોનની ફોરેન્સિક તપાસ અને શુભમ સોની (મહાદેવ નેટવર્કના ઉચ્ચ કક્ષાના આરોપીઓમાંથી એક) દ્વારા મોકલવામાં આવેલા ઈમેલની તપાસમાં ઘણા ચોંકાવનારા આરોપો સામે આવ્યા છે. એવું બહાર આવ્યું છે કે મહાદેવ એપના પ્રમોટર્સ ભૂતકાળમાં ભૂપેશ બઘેલને નિયમિત પેમેન્ટ કરતા હતા અને અત્યાર સુધીમાં લગભગ 508 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં EDએ બોલિવૂડના ઘણા કલાકારો અને અભિનેત્રીઓને પૂછપરછ માટે સમન્સ પણ મોકલ્યા હતાં. તેમાં રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, હુમા કુરેશી, હિના ખાન અને કોમેડિયન કપિલ શર્મા જેવા અન્ય ઘણા કલાકારો છે.
છત્તીસગઢ રાજ્યમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે બે તબક્કામાં ચૂંટણી છે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે.