લોકસભા ચૂંટણી 2024: ભાજપે અત્યાર સુધી ઉતાર્યા 405 ઉમેદવાર: 101 સંસદસભ્યોની ટિકિટ કપાઈ
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ અત્યાર સુધીમાં ભાજપે ઉમેદવારોની કુલ છ યાદી જાહેર કરી છે અને આ યાદીમાં ભાજપે 34 ટકા સંસદસભ્યોના પત્તાં કાપ્યાં છે. 2019માં ભાજપે 282 સંસદસભ્યોમાંથી 119 સંસદસભ્યોના એટલે કે 42 ટકા સંસદસભ્યોની ટિકિટ કાપી હતી, તેની સરખામણીએ આ વખતે દરેક ત્રીજા સંસદસભ્યોની ઉમેદવારી કાપવામાં આવી છે.
ભાજપ દ્વારા અત્યાર સુધીમાં કુલ 405 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. મુખ્ય બાબત એ છે કે 291 ઉમેદવારમાંથી 101 સંસદસભ્યોની ટિકિટ કાપી નાખવામાં આવી છે. પહેલી યાદીમાં 33, બીજા યાદીમાં 30, પાચમી યાદીમાં 37 અને છઠી યાદીમાં એક સંસદસભ્યનું પત્તું કાપ્યું છે. ઉમેદવારી નકારવામાં આવેલા સંસદસભ્યોમાં કેટલાક પ્રધાનોનો પણ સમાવેશ થાય છે.
ભાજપે જે દિગ્ગજોને ઉમેદવારી નથી આપી તેમાં વરુણ ગાંધી, પ્રજ્ઞા ઠાકુર, રમેશ બિધુડી, દર્શના જરદોષ, રમેશ પોખરિયાલ નિશંક, પ્રતાપ સિન્હા, વી. કે. સિંહ, અનંત હેગડે, અશ્ર્વિની ચૌબે, હર્ષવર્ધન અને ગૌતમ ગંભીરનો સમાવેશ થાય છે. મણિપુરના તો ત્રણેય સંસદસભ્યોનું પત્તું કટ કરવામાં આવ્યું છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: 54 વર્ષ બાદ કૉંગ્રેસે ચંદ્રપુરમાં આપ્યો મહિલા ઉમેદવાર
દિલ્હીમાં તો ભાજપે પોતાના સાતમાંથી છ સંસદસભ્યોના પત્તા કટ કરીને નવા ઉમેદવાર આપ્યા છે, ફક્ત મનોજ તિવારીને જ જાળવી રાખવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં જાહેર કરવામાં આવેલા 63 ઉમેદવારમાં નવ સંસદસભ્યોને રિપીટ કરવામાં આવ્યા નથી. બરેલીથી આઠ વખત સંસદસભ્ય રહેલા સંતોષ ગંગવાર, પિલિભીતના વરુણ ગાંધી, ગાઝિયાબાદથી -જનરલ વી. કે. સિંહ, બારાબંકીના ઉપેન્દ્ર રાવત, બદાયુંના સ્વામી પ્રસાદ મૌર્યની પુત્રી સંઘમિત્રા મૌર્ય, કાનપુરના સત્યદેવ પચૌરી, બહરાઈચથી અક્ષયવાર લાલ ગૌડ, હાથરસથી રાજવીરસિંહ દિલેર અને મેરઠથી રાજેન્દ્ર અગરવાલનું પત્તું કાપવામાં આવ્યું છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: એનસીપીએ કેમ આપી મહાયુતીમાંથી બહાર નીકળી જવાની ધમકી?
ગુજરાતમાં આ વખતે 14 નવા ચહેરા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ફક્ત 12 સંસદસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. ગયા વખતે ગુજરાતમાંથી છ મહિલા ઉમેદવાર આપી હતી તેને સ્થાને આ વખતે ફક્ત ચાર મહિલા ઉમેદવાર આપવામાં આવી છે. મોદી સરકારની કેબિનેટમાં રહેલા બે પ્રધાનોનાં પત્તા કાપવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા વર્તમાન સંસદસભ્યોની ઉમેદવારી નકારવાની પાછળનું કારણ એન્ટી ઈનકમ્બન્સીને કારણે થનારું નુકસાન ટાળવાનું છે એવું કહેવાઈ રહ્યું છે. વિવાદાસ્પદ નિવેદનો, સ્થાનિક કાર્યકર્તાઓની નારાજગી વગેરે બાબતોને પણ ઉમેદવારી નકારતી વખતે ધ્યાનમાં લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
આગામી દિવસોમાં ભાજપ બીજા 30-40 ઉમેદવાર જાહેર કરશે એવું કહેવાઈ રહ્યું છે. તેમાં પણ અનનેક સંસદસભ્યોના પત્તાં કપાય એવી આશંકા છે.