નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા ઓડિશા(Odisha)માં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. ગયા ઓગસ્ટ મહિનામાં જ્યારે વિપક્ષે કેન્દ્રની ભાજપ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, ત્યારે નવીન પટનાયક(Naveen Patnaik)ની આગેવાની હેઠળના બીજુ જનતા દળ(BJD)એ ભાજપ (BJP)સરકારને ટેકો આપ્યો. આ સિવાય બીજેડીએ બીજેપી સરકારને અન્ય ઘણા પ્રસંગોએ સમર્થન આપ્યું હતું. આ જ કારણે જ્યારે ઓડિશામાં લોકસભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે બંને પક્ષો વચ્ચે ગઠબંધનની અટકળો ચાલી રહી છે. જો કે, ભાજપે હવે આ અટકળો અંગે સ્પષ્ટતા કરી છે અને બીજેડી સાથે ગઠબંધનની શક્યતાઓને નકારી કાઢી છે.
શનિવારે નવી દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ઓડિશા ભાજપના ઉપાધ્યક્ષ અને સાંસદ અપરાજિતા સારંગીએ કહ્યું કે કેટલાક લોકોએ પોતાના ફાયદા માટે એવી અફવા ફેલાવી હતી કે ભાજપ અને બીજેડી વચ્ચે ગઠબંધન થઈ શકે છે, પરંતુ કોઈપણ રાજકીય પક્ષ સાથે ગઠબંધનનો સવાલ જ ઊભો થતો નથી. સારંગીએ કહ્યું કે ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં 50 ટકા વોટ મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે.