
જમ્મુ અને કાશ્મીર પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટની આતંકવાદી ઓપરેટિવ સાથે કથિત સંબંધોના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરની સ્થાનિક કોર્ટ દ્વારા વોરંટ જાહેર કરવામાં આવ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા નાયબ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટનું નામ શેખ આદિલ મુશ્તાક છે. તેના પર આતંકવાદી ઓપરેટિવને ધરપકડથી બચવામાં મદદ કરવાનો અને તેની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શેખ આદિલની બુધવારે નૌગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચાર સહિતના કેટલાક અન્ય આરોપો હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને શ્રીનગરના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, કોર્ટે તેને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ જુલાઈમાં ધરપકડ કરાયેલા આતંકવાદી આરોપીના ફોનની તપાસમાં જાણવા મળ્યું હતું કે આદિલ મુશ્તાક આતંકવાદી કાર્યકરના સતત સંપર્કમાં હતો. તેણે કથિત રીતે આરોપીને કાયદાથી બચવાનો રસ્તો પણ બતાવ્યો હતો. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આદિલ મુશ્તાક ટેલિગ્રામ એપ પર આરોપી સાથે વાતચીત અને ચેટ કરતો હતો.
તપાસ પર દેખરેખ રાખતા એક અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદી આરોપી અને નાયબ પોલીસ અધિક્ષક વચ્ચે 40થી વધુ ફોન કોલ થયા હતા. પોલીસ અધિકારી આરોપીને ધરપકડથી બચવા અને કાયદાકીય સહાય કેવી રીતે મેળવવી તે અંગે માર્ગદર્શન આપી રહ્યા હતા.
જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ પોલીસે ટેકનિકલ પુરાવા અને પૈસાની લેવડ-દેવડના રેકોર્ડના આધારે આરોપી અધિકારી વિરુદ્ધ મજબૂત કેસ તૈયાર કર્યો છે. તે કેવી રીતે આતંકવાદી આરોપીઓને મદદ કરી રહ્યો હતો તેના મજબૂત પુરાવા છે. આ સાથે આદિલે આરોપી અધિકારી ફંડિંગના કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીને પણ ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. આદિલ મુશ્તાકે આરોપી પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા. કેસની ગંભીરતાને જોતા તપાસ માટે સાઉથ સિટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે.