જય ગિરનારી: આજથી લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
જુનાગઢ: આજથી જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે. લાખોની સંખ્યમાં શ્રધાળુઓ જુનાગઢમાં ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોતા એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે બુધવારે સાંજે જ ગિરનારનો પરિક્રમા માટે પ્રવેશ દ્વારા ખોલવામાં આવ્યો હતો. ગઈ કાલે સાંજે 50 હજારથી વધુ ભાવિકોએ ‘જય ગિરનારી’ના નાદ સાથે પરિક્રમા રૂટ પર પ્રવેશ્યા હતા. આજથી લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે.
લીલી પરિક્રમાનું ધાર્મિક, સંકૃતિક અને પૌરાણિક મહત્વ છે. 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે દેશ-વિદેશથી લોકો જુનાગઢ પહોંચી રહ્યા છે. શ્રધાળુંની સુવિધા માટે ગુજરાત એસટી વિભાગ તરફથી 100 જેટલી એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે. 5 દિવસ સુધી આ એક્સ્ટ્રા બસ રાજ્યના વિવિધ વિસ્તારો સુધી દોડશે.
હાર્ટ અટેકના બનાવમાં ભાવિકોનો મદદ પહોંચડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા પંચાયત ખાતે ૮૦ જેટલા અન્નક્ષેત્રોના સંચાલકો ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તાઓના નિષ્ણાંત ડોક્ટરો દ્ધારા CPRની તાલીમ આપવામાં આવી હતી. મેડિકલ ઈમરજન્સીના કેસમાં 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલાક અંતરે એમ્બ્યુલન્સ અને સ્ટાફને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
આ સાથે જીલ્લા કલેક્ટરે અન્નક્ષેત્રના સંચાલકોને કોઈ ગંદકી ન કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકોના સહયોગથી આપણા ગિરનારને સ્વચ્છ અને સુંદર જાળવી રાખીશું. ગીરનારના સંતોએ પણ ભાવિકોને ગંદકી ન કરવા અને જંગલનું જતન કરવા માટે અપીલ કરી હતી. સંતોએ ભાવિકોને ખાસ કરીને પ્લાસ્ટિક જંગલમાં ન ફેંકવા તેમજ તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.