નિલેશ વાઘેલા
મુંબઇ: એક તરફ જ્યારે સેન્સેક્સ લગભગ ૧,૦૦૦ પોઈન્ટ સુધીના ઉછાળા સાથે તેની ૮૦,૮૯૩ની તાજી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, ત્યારે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન સેગમેન્ટના રોકાણકારોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની બજારમાં ચર્ચા છે. ટ્રેડરોએ બીએસઇની કથિત ટેકનિકલ ખામીને કારણે, સેન્સેક્સ ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સની વીકલી એક્સપાઇરીના સમયે ભારે ફટકો ભોગવવો પડ્યો હોવાની ફરિયાદ કરી છે.
ટ્રેડરોએ ફરિયાદ કરી હતી કે મુંબઇ શેરબજારની ટેક્નિકલ ક્ષતિને કારણે તેઓ સેન્સેક્સ એક્સપાયરી ઈન્ટ્રાડે ઓર્ડર વેચવામાં નિષ્ફળ રહ્યાં હોવાને કારણે ભારે નુકસાન થયું હતું. જયપૂરના એક ટ્રેડરે તેને આને કારણે રૂ. ૧૫ લાખનું નુકસાન થયું હોવાનો દાવો કયો૪ છે. ઝેરોધા, ગ્રોવ, અપસ્ટોક્સ અને એન્જલ વન જેવા બ્રોકરોના ગ્રાહકોને ઉક્ત સમસ્યા નડી હતી.
આ પણ વાંચો: Stock Market વિક્રમી ઊંચા શિખરેઃ સેન્સેક્સમાં 1,618 પોઈન્ટનો ઉછાળો
કેટલાક યુઝર્સ તેમના બીએસઇ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) ઓર્ડરમાં સમસ્યાઓ અનુભવી શકે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) સાથે કનેક્ટિવિટીને લગતા મુદ્દાને કારણે આ સમસ્યા આવી હતી અને તેના પરિણામે ઓર્ડર “ઓપન પેન્ડિંગ” સ્થિતિમાં દેખાયા હતા, એમ ઝેરોધાએ ટ્વીટર પરની પોસ્ટમાં જણાવ્યું હતું.
બ્રોકરેજ ફર્મે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દો ઝેરોધા માટે અલગ નથી પરંતુ સમગ્ર બોર્ડના બ્રોકરોને અસર કરે છે. એન્જલ વન યુઝર્સે પણ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી કે તેઓ પોઝીશનને સ્કવેર ઓફ કરી શકતા નથી. બાદમાં, ઝેરોધાએ પુષ્ટિ કરી કે એક્સચેન્જ દ્વારા આ મુદ્દો ઉકેલાઈ ગયો છે.