ભારતમાં ઓલમ્પિક ગેમ્સનું આયોજન થાય એ માટે કેન્દ્ર સરકાર તૈયારીઓ કરી રહી છે, આ અંગે હવે વડા પ્રધાન મોદીએ પુષ્ટિ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે ભારત દેશમાં 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાના પ્રયાસોમાં કોઈ કસર નહીં છોડે. આ 140 કરોડ ભારતીયોનું સપનું છે. મુંબઈમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી(આઈઓસી)ના 141માં સત્રનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું, હું તમારી સમક્ષ 140 કરોડ ભારતીયોની ભાવનાઓ રજૂ કરવા માંગુ છું. ભારત તેની ધરતી પર 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાના તેના પ્રયાસોમાં કોઈ કસર છોડશે નહીં.
વડા પ્રધાન મોદીએ આઈઓસીના સભ્યોને સંબોધતા કહ્યું હતું કે, અમે તમારા સહયોગ અને સમર્થનથી 14૦ કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા માંગીએ છીએ. મને વિશ્વાસ છે કે ભારતને આઈઓસીનું સમર્થન મળશે. તેમણે સિંધુ ખીણની સંસ્કૃતિથી ભારતમાં ચાલી આવતી રમતગમતની પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, ભારતીય માત્ર રમતપ્રેમી નથી, પરંતુ અમે તેને જીવીએ છીએ અને દેશ 2029માં યુથ ઓલિમ્પિકની યજમાની કરવા પણ ઉત્સુક છે.
વડા પ્રધાને કહ્યું કે ભારત પાસે વૈશ્વિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને જરૂરી સંગઠનાત્મક ક્ષમતા છે. તેમણે G20 સમિટ અને ભારતના પ્રમુખપદનું ઉદાહરણ આપ્યું, આ દરમિયાન દેશના 60 થી વધુ શહેરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ દરેક ક્ષેત્રમાં ભારતની આયોજન ક્ષમતાનો પુરાવો છે.
તેમણે તાજેતરમાં ભારતમાં યોજાયેલી વૈશ્વિક સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે ભારતે તાજેતરમાં ચેસ ઓલિમ્પિયાડ, ફૂટબોલ અંડર-17 મહિલા વર્લ્ડ કપ, હોકી વર્લ્ડ કપ, વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ, શૂટિંગ વર્લ્ડ કપની સફળતા પૂર્વક યજમાની કરી છે. હાલમાં ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં જ રમાઈ રહ્યો છે. ભારત દર વર્ષે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલનું આયોજન કરે છે.
તેમણે કહ્યું કે, રમતોમાં કોઈ હારતું નથી. રમતગમતમાં ફક્ત વિજેતાઓ અને શીખનારાઓ જ હોય છે. રમતની ભાષા અને ભાવના સાર્વત્રિક છે. રમતગમત માત્ર સ્પર્ધા નથી, તે માનવતાને વિસ્તારવાની તક આપે છે. જે કોઈ રેકોર્ડ તોડે છે, આખી દુનિયા તેનું સ્વાગત કરે છે. રમતગમત એ વિશ્વને જોડવાનું મહત્વનું માધ્યમ છે. અમે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં આ વિશે સકારાત્મક સમાચાર સાંભળવા મળશે.
આઈઓસીના એક્ઝિક્યુટિવ બોર્ડે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ટી-20 ક્રિકેટના સમાવેશને મંજૂરી આપ્યાના એક દિવસ બાદ વડા પ્રધાન મોદીએ આ જાહેરાત કરી હતી. નોંધનીય છે કે તાજેતરના ભૂતકાળમાં કેટલાક કેબિનેટ પ્રધાનો ભારતમાં ઓલમ્પિક ગેમ્સના આયોજન માટેની યોજના અંગે વાત કરી ચુક્યા છે, પણ આ અંગે વડા પ્રધાને પુષ્ટિ કરી છે. ઓલમ્પિક કક્ષાના આયોજન માટે રાજ્ય અને કેન્દ્ર સરકારોએ અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની પહેલાથી જ શરૂઆત કરી દીધી છે.
વાડા પ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે ભારતની તાજેતરની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો – ઓલિમ્પિક્સની છેલ્લી આવૃત્તિ અને તાજેતરમાં સમાપ્ત થયેલ એશિયાડમાં ઐતિહાસિક પ્રદર્શનનો ઉલ્લેખ કરીને સરકાર દ્વારા રમતને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવેલી “ખેલો ઇન્ડિયા” પહેલનો ઉલ્લેખ કર્યો હતો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને