કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કોલકાતામાં દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું (first underwater metro in India) ઉદ્ઘાટન કરશે. પશ્ચિમ બંગાળ પહોંચ્યા બાદ PM મોદી એક કાર્યક્રમમાં આ અત્યાધુનિક મેટ્રો રેલ સેવા દેશવાસીઓને સમર્પિત કરશે. કોલકાતાની અંડરવોટર મેટ્રો હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે. થોડા દિવસો પહેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કોલકાતા મેટ્રો રેલ સેવાઓની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન બુધવારે યાત્રીઓ માટે સંપૂર્ણ રીતે તૈયાર અંડરવોટર મેટ્રો રેલ દેશને સમર્પિત કરશે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2020માં તત્કાલિન રેલવે મંત્રી પીયૂષ ગોયલે સોલ્ટ લેક સેક્ટર V અને સોલ્ટ લેક સ્ટેડિયમને જોડતા કોલકાતા મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. 16.5 કિમી લાંબી મેટ્રો લાઇન હુગલીના પશ્ચિમ કાંઠે હાવડાને પૂર્વ કિનારે સોલ્ટ લેક સિટી સાથે જોડે છે. 10.8 કિમીનો ભાગ ભૂગર્ભ છે. આ ભારતનો પ્રથમ આવો પરિવહન પ્રોજેક્ટ છે, જેમાં મેટ્રો રેલ નદીની નીચે બનેલી ટનલમાંથી પસાર થશે.
આપને જણાવી દઈએ કે અંડરવોટર મેટ્રો ઉપરાંત, વડાપ્રધાન કવિ સુભાષ-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તરતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે PM મોદી દેશભરમાં અનેક મોટી મેટ્રો અને રેપિડ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, વડા પ્રધાન પિંપરી ચિંચવડ મેટ્રો-નિગડી વચ્ચે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ તબક્કા 1ના વિસ્તરણ માટે શિલાન્યાસ પણ કરશે.